ધરમપુરની શ્રી વનરાજ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓએ શૈક્ષણિક વર્ષ 2019-20ના બાકી રહેલા ટેબ્લેટ આપવા બાબતે ઇન્ચાર્જ આચાર્ય ઉત્તમભાઈ પટેલ, ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ સહિતને આવેદનપત્ર પાઠવ્યું હતુ.
વિદ્યાર્થીઓની સહી સાથેના આવેદનપત્રમાં જણાવ્યા મુજબ વર્ષ 2019-20 દરમ્યાન વનરાજ કોલેજના 968 વિદ્યાર્થીઓએ ટેબ્લેટ મેળવવા માટે ટોકન રકમ રૂપિયા 1000 લેખે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત ખાતે કોલેજ દ્વારા નાણાં જમા કરાવ્યા હતા.જોકે છેલ્લા ત્રણ વર્ષથી ટેબ્લેટ અંગે વારંવાર રજુઆત કરવા છતાં હજુ સુધી ટેબ્લેટ તેમને મળ્યા નથી એવો ઉલ્લેખ કર્યો છે.
આ ઉપરાંત વર્તમાન કોવિડ-19ની પરિસ્થિતિમાં ટેબ્લેટ વિના ઓનલાઇન શિક્ષણથી વંચિત રહ્યા અને ઓનલાઈન પરીક્ષા આપવા ટેબ્લેટનો ઉપયોગ કરી શક્યા નથી એમ જણાવી ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓ હોવાથી સત્વરે ટેબ્લેટ આપવા અથવા જમા કરાવેલા નાણાં પરત કરવા વિનંતી કરી છે. અને આ અંગે યોગ્ય પ્રતિભાવ નહિ મળે તો ના છૂટકે ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે એમ પણ જણાવ્યું છે. ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે વિદ્યાર્થીઓની રજુઆત સાંભળી ટેબ્લેટ મળે એવા પ્રયાસ કરીશ એમ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.