ધરમપુરના અંતરીયાળ વિસ્તારના હનમતમાળમાં હોળી પર્વ પૂર્વે ભરાયેલા હાટબજારમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા. હાટબજારમાં હોળીનો સામાન સહિતની વસ્તુઓની ખરીદીમાં ભીડ તથા બાળકોએ ચગડોળમાં બેસી આનંદ માણ્યો હતો. હનમતમાળમાં એસુરડા ફળીયા બિરસા-ભીમ યુવક મંડળના પૂર્વ સરપંચ ધાકલભાઈ કનસીયા, રમેશ ટાઇગર તથા યુવાનોની ટીમે આશરે 6 હજારથી વધુ લીટર પાણીની વ્યવસ્થા સાથે ઠંડા પાણીની પરબ ઉભી કરી માનવતા મહેકાવી હતી.
સ્થાનિકના જણાવ્યા મુજબ આ હાટબજારમાં હનમતમાળ તથા આસપાસના 40 ગામો તેમજ મહારાષ્ટ્રના લોકો આવ્યા હતા. હનમતમાળ તથા ઉકતા હાટબજારમાં કાયદો વ્યવસ્થાની જાળવણી માટે ધરમપુરના પીએસઆઇ આર.કે. પ્રજાપતિ, પ્રોબેશનલ પીઆઇ એચ.જે.પટેલ તથા પોલીસ સ્ટાફનું પેટ્રોલીંગ તથા બંદોબસ્ત તૈનાત કરાયો હતો. ધરમપુર ડીએનપી હાઈસ્કૂલના નિવૃત શિક્ષક અને ધોધળકુવા કપરાડાના આદિવાસી લોક સાહિત્યકાર અરવિંદભાઈ પટેલ કહે છે હોળીની ઉજવણી એક અઠવાડીયા અગાઉથી શરુ થતી હોય છે.
હોળી પર્વ નિમિતે કામધંધા અર્થે બહારગામ ગયેલા લોકો ઘરે આવી પહોંચે છે. તાલુકામાં વિશેષ ભરાતા હોળીના હાટબજારમા લોકો આદિવાસી વાજિંત્ર કાંહળી, માદળ, તૂર, ઢોલકા, તારપા જેવા વાદ્યો સાથે પહોંચી ઘણા કલાકારો માં ભવાની, અંબામાતા સહિતના મુખોટા પહેરી કાંહળીનાં તાલે માં ભવાની નૃત્ય કરતા હોય છે. લોકો પણ માતાના દર્શન કરી તિલક લગાવી યથાશક્તિ મુજબ ફગવો આપી જતા હોય છે. તેજ રીતે પગમાં લાકડી બાંધી ઘૂંઘડીઘોડા વાળા પણ નીકળતા હોય છે. દર્શન કરી તિલક લગાવ્યા બાદ લોકો દ્વારા અપાતો ફગવો દેવપૂજન તથા સમાજ માટે થતો હોય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.