પ્રેરણા:શિક્ષિકાની આર્થિક સહાયની FB પર વિનંતીથી મજૂર પરિવારના દીકરાનું ડોકટર બનવાનું સપનુ પૂર્ણ થશે

ધરમપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આવધા પ્રા. શાળાની આચાર્યા તથા વલસાડ હાઇસ્કૂલના શિક્ષક વિદ્યાર્થીની વહારે આવી

ધરમપુરની આવધા પ્રા.શાળામાં શિક્ષણ મેળવનાર ગોરખડાના મજૂર પરિવારના દિલીપ સુરેશભાઈ કુંવરને વલસાડ શ્રમજીવી હાઇસ્કૂલમાં માધ્યમિક શિક્ષણ બાદ તેણે NMMS પરિક્ષા પાસ કરી મેરીટમાં સ્થાન મેળવ્યુ હતું. કોઈ પણ ટ્યુશન વિના NEETમાં પણ સફળતા મેળવી હતી.તેને કરમસદની સેલ્ફ ફાયનાન્સ મેડિકલ કોલેજમાં ઓનલાઈન એડમિશન મળ્યું હતું.અત્યંત ગરીબ પરિસ્થિતિને લઈ હોસ્ટેલનો ખર્ચ ઉઠાવવામાં અસમર્થ દિલીપ કુંવરે આવધા શાળાની આચાર્યા પાયલ પટેલને ટેલિફોનિક હકીકત વર્ણવી હતી.

જોકે ક્ષોભ અનુભવી રહેલા દિલીપ કુંવરને અન્યોને પ્રેરણા મળશે એવી સમજણ આપ્યા બાદ પાયલ પટેલે ઘરે જઈ સહાય માટે ઘરના ફોટા, દીલીપનું એકાઉન્ટ નંબર તથા સમગ્ર હકીકત ફેસબુક પર પોસ્ટ કરી સહાયની અપીલ કરી. આ ઉપરાંત ચિચોઝરના ડે. સરપંચ સતિષ બારીયાએ ટ્રાઇબલ વિભાગના અધિક સચિવે ફોન કરી વિદ્યાર્થીને સરકારી હોસ્ટેલની સુવિધા આપવા તથા સરકારમાંથી મળવા પાત્ર લાભો અપાવવા ખાતરી આપી હતી. પાયલ પટેલના જણાવ્યા મુજબ તેમના બી.એડ.ના મિત્રો કરમસદ મેડિકલ કોલેજના અલકેશ પટેલ તથા વિદ્યાનગર ઉ. શાળાના શિક્ષક ધર્મેન્દ્ર ગઢવી પણ દિલીપ કુંવરને હોસ્ટેલ તથા અન્ય માર્ગદર્શન માટે કરમસદ પહોચ્યા છે. આ ઉપરાંત સહાય મળી રહી છે. આર્થિક સહાય મળતા ગરીબ પરિવારનો પુત્ર ડોકટર બનવાનું સપનુ ચરિતાર્થ કરશે.

આવા શિક્ષકોથી ભવિષ્ય ઉજ્જવળ છે
દીલીપ કુંવરને કરમસદ મેડિકલ કોલેજમાં સ્વખર્ચે લઈ જનારા શ્રમજીવી હાઇસ્કૂલના શિક્ષક જેવા શિક્ષકો છે ત્યાં સુધી દરેક દિલીપનું ભવિષ્ય ઉજ્જવળ જ છે. સહાય માટે આગળ આવનારા તમામનો આભાર. એફબી પર થયેલી અપીલ કામ કરી ગઇ હતી. > પાયલ પટેલ, આચાર્યા આવધા પ્રા. શાળા

અન્ય સમાચારો પણ છે...