ધરમપુરના નિવૃત કર્મચારીએ એક વર્ષ અગાઉ સ્વ.પત્નીની સ્મૃતિમાં સ્વખર્ચે પોતાના નિવાસસ્થાને વિદ્યાર્થીઓ માટે સ્વખર્ચે લાઇબ્રેરી શરૂ કરી સાચી શ્રદ્ધાંજલિ આપી છે. શાંત અને મુક્ત વાતાવરણમાં સ્પર્ધાત્મક પરીક્ષાના વાંચન માટે પોતાના મકાન ગુડબાય ધામમાં ઉપરના ભાગે નિવૃત કર્મચારીએ સ્વખર્ચે 28 જેટલી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકો, વાઇફાઇની સુવિધા સાથે કોમ્પ્યુટર સેટ, પંખા, ગેસ સાથે કિચન તથા દૂરથી આવતા વિદ્યાર્થીઓને રોકાણ માટે અલાયદું રૂમ તથા પીવાના પાણી માટે આરઓ પ્લાન્ટ, શૌચાલય સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવી છે.
આજે એક વર્ષના અંતે વિવિધ વિસ્તારના અહીં વાંચન કરી પરીક્ષા પાસ કરનારા છ વિદ્યાર્થીઓને એક કાર્યક્રમ યોજી સન્માનિત કરાયા હતા. ધરમપુરના નગારીયામાં સ્થાયી ડિજીવીસીએલના નિવૃત કર્મચારી જયંતિભાઈ ગમનભાઈ પટેલની ડિજીવીસીએલમાં નોકરી કરતી પત્ની હંસાબેન પટેલનું વર્ષ 2018માં ટૂંકી માંદગી બાદ અવસાન થયું હતું. ત્યારબાદ સ્વ.પત્નીની સ્મૃતિમાં વિદ્યાર્થીઓની કારકિર્દી ઘડતર માટે લાઇબ્રેરી શરૂ કરવાનો વિચાર વર્ષ 12-12-2021માં નગારીયા અવધૂતનગર સ્થિત પોતાના નિવાસસ્થાનમાં શિતળ છાંયડો જાહેર પરીક્ષા લાઇબ્રેરી શરૂ કરી અમલમાં મુક્યો હતો. અને આ લાઇબ્રેરીમાં ધરમપુર, વલસાડ,કપરાડાના અંતરીયાળ વિસ્તારના વિદ્યાર્થીઓએ વાંચન શરૂ કર્યુ હતું. વિદ્યાર્થીઓને ઉપલબ્ધ પુસ્તકોની સાથે જરૂરી પુસ્તક પણ મંગાવી આપવા માટે નિવૃત કર્મચારી તત્પરતા બતાવી છે.
વિદ્યાર્થીઓને ભણો, ગણો અને જીવનમાં આગળ વધો તથા વ્યસનથી દુર રહો એવી અપીલ સાથે નિવૃત કર્મચારીએ સ્વ. પત્નીને લાઇબ્રેરીરૂપી શ્રદ્ધાંજલિ અર્પી છે. જયંતિભાઈ પટેલે આવતા વર્ષે સ્વ.પત્નીના જન્મદિવસે સમાજ માટે સ્વખર્ચે એક એમ્બ્યુલન્સ શરૂ કરવાની વાત પણ કરી છે. અહીં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે આવતા વિદ્યાર્થીઓએ પણ વાંચવા માટે અનલિમિટેડ સમય, ઘોંઘાટ વિનાનું શાંત વાતાવરણ, ઉપલબ્ધ પુસ્તકોથી વાંચન માટે એક સારી સુવિધા મળતી હોવાની વાત કરી હતી. અહીં વાંચન કરનારા છ વિદ્યાર્થીઓએ પોલીસ વિભાગ, સિનિયર ક્લાર્ક, જુનિયર આસિસ્ટન્ટ, LRD સહિતની પરીક્ષા પાસ કરી હોવાની માહિતી પણ આપી હતી. થોડા સમય અગાઉ સફળ થનારા વિદ્યાર્થીઓને સન્માનિત કરવાના યોજાયેલા એક કાર્યક્રમમાં મોડેલ સ્કૂલ માલનપાડાના વર્ગ-2 અધિકારી વર્ષાબેન પટેલ, વનરાજ કોલજના આચાર્ય ડો. ઉત્તમભાઈ પટેલ, અગ્રણી જયેશભાઈ સી.પટેલ, કોમ્પ્યુટરના દાતા વિશાલ દસોંદી, શિક્ષક તરુણભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.