ખેતી ધોવાઇ:ધરમપુરના આવધા માન નદીમાં પુરથી નજીકની દોઢ એકર ખેતી ધોવાઇ ગઇ

ધરમપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડાંગર તરૂ, સાગના વૃક્ષો, નીલગીરીના વૃક્ષો પૂરના પાણીમાં તણાયા

ધરમપુરના આવધા ગામના દળવી ફળીયા અને રાજપુરી જંગલ ગામના ગોમતીપાડા ફળીયાને જોડતા રસ્તા વચ્ચેથી પસાર થતી માન નદી પર ચાસુ નામના દરા પરના કોઝવે નજીક જમીન ધોવાણ અટકાવવા માટે બનાવેલી પ્રોટેક્શન વોલને પુરથી નુકસાન થતા નજીકની જમીનનું ભારે ધોવાણ થયું હતું.

આવધાના અગ્રણી વિજયભાઈ દળવી તથા દેવલુભાઈ ખલપુભાઈ પાડવીએ જણાવ્યું હતું કે નદીમાં પુરથી તેમની તથા ભાઈ નથ્થુભાઈ પાડવીની આ આશરે દોઢ એકર જમીનમાં 15 ફૂટથી વધુ ધોવાણ થયું હતું. સાથે ડાંગર તરૂ, સાગના વૃક્ષો, નીલગીરી તણાઈ ગયા હતા. આ સાથે બાજુની અન્ય જમીનમાં વેલા વાળી શાકભાજીનું મંડપ પણ તણાયુ હતું.

આ ઉપરાંત ગદીયાપાડા નદી કિનારે નગીનભાઈ ઢાઢર તથા રામુભાઈ ઢાઢરના મકાનમાં નદીનું પાણી આવી જતા ભાત સહિત ઘરવખરીને ભારે નુકસાન થયું હોવાનું વિજયભાઈ દળવીએ જણાવ્યું હતું. ઘરોમાં ભરાયેલા પાણીને લઈ બંને પરિવાર અન્યના ઘરે રહેવા જતા રહ્યાં હતાં. નદી કિનારે અન્ય કાંટી ફળિયામાં પુરના ફરી વળેલા પાણીને પગલે શાકભાજીના પાંચ મંડપ તથા આંબા કલમ, તરુ તથા એક દુકાનમાં નુકસાન થયું હોવાની વાત પણ સ્થાનિક રહીશોએ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...