મક્કમ મનોબળ અને મેહનત કરવાની ધગશ માનવીને કદી પણ અસહાય પ્રતીત થવા દેતી નથી. આવો એક કિસ્સો દક્ષિણ ગુજરાતમાં સૌથી મોટા કેરી બજાર તરીકે ગણાતા બામટી કેરી માર્કેટમાં એક પગથી દિવ્યાંગ યુવાન કેરી બોક્ષના વેચાણના સથવારે પરિવારનું પેટિયું રળતો જોવા મળ્યો હતો. મહેનતકશ દિવ્યાંગ યુવાને દિવ્યભાસ્કર પ્રીતિનિધી સાથે મુક્ત મને વાતો કરી હતી.
બાળપણમાં પોલીયોને લઈ એક પગમાં દિવ્યાંગતા ધરમપુરના કાનજી ફળીયા યોગેશ પટેલ કહે છે ધોરણ દસ પાસ કરી પરીવારની નબળી આર્થિક પરિસ્થિતીને લઈ આગળ અભ્યાસ નહીં કરી શકાયો હતો. બાળપણથી મ્યુઝિકમાં રુચિને લઈ જાતે બેનજો અને કી-બોર્ડ વગાડવાનું શીખી મ્યુઝિક સિસ્ટમ વસાવી લગ્ન પ્રસંગમાં પરફોર્મ કરવાની સાથે ભજનની શરૂઆત સાથે આવક ઉભી કરી હતી.
નાના ભાઈ તથા નાની બહેનને પણ ભણાવ્યા હતા. આજે બને ભાઈ-બહેન CRPFમાં ફરજ બજાવે છે. બે દીકરી અને એક દીકરાના પિતા એવા મહેનતકશ આ યુવાને કોરોનામાં બંધ થયેલા ઓર્ડરને લઈ કેરી માર્કેટમાં કેરી બોક્ષ સહિતના પેકેજીંગ મટીરીયલનું વેચાણ શરૂ કર્યું હતું. કોઈ પાસે હાથ નહીં ફેલાવી મેહનતના સથવારે પરીવારનું ગુજરાન ચલાવી રહેલા આ દિવ્યાંગ યુવાનના મુખ પર એક અજબ ખુમારી, ખુદદારી ઝળકી રહી હતી. યુવાન સ્વમાનભેર જીવવાની એક અનોખી છાપ છોડી જતો હોય એવું પ્રતીત થઇ રહ્યું છે.
મહેનતથી સફળતા
જીવનમાં કોઈ પણ પરિસ્થિતિ હોય હિમ્મત નહીં હારી એનો સામનો કરવો જોઈએ. મેહનત કરવાથી સફળતા મળતી હોય છે. યોગેશ પટેલ, કાનજી ફળીયા ધરમપુર
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.