ઉજવણી:દમણ એરપોર્ટ ટર્મિનલ-ટ્રાન્સપોર્ટ નગરનું કામ પૂર ઝડપે ચાલે છે : કલેકટર

દમણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 61માં દમણ-દીવ મુક્તિ દિવસની સાદગીપૂર્ણ ઉજવણી, કલેકટરે ધ્વજ ફરકાવ્યો, ત્રણેય પ્રદેશના મર્જર બાદ ઔપચારિક ઉજવણી

દેશની આઝાદીના લાંબા અંતરાલ બાદ સંઘપ્રદેશ દમણ અને દીવને પોર્ટુગીઝ શાસનમાંથી મુક્તિ મળી હતી. 19 ડિસેમ્બરે દમણ પ્રદેશ પોર્ટુગીઝ શાસનમાંથી મુક્ત થતા દર વર્ષે પ્રશાસન અને સરકારી વિભાગ અને સ્થાનિક સંગઠનો દ્વારા ધામધૂમથી દમણના મુક્તિ દિવસની ઉજવણી કરવામાં આવતી હતી. દમણને મુક્તિ દિવસની પૂર્વ સંધ્યાએ એક દુલ્હનની જેમ શણગારવામાં આવતું હતું. આ ઉપરાંત પ્રશાસન તરફથી ત્રણ દિવસ સુધી અનેક સાંસ્કૃતિક અને મનોરંજક કાર્યક્રમોનં આયોજન કરાતું હતું.

જોકે, સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ દીવને એકીકરણ (મર્જ) કર્યા બાદ રવિવારે 61માં મુક્તિ દિવસે ખાસ કોઇ કાર્યક્રમો જોવા મળ્યા ન હતા. દમણ જિલ્લા કલેકટર ડો. તપસ્યા રાઘવે રાષ્ટ્ર ધ્વજ ફરકાવીને મુક્તિ દિવસની ઉજવણી કરી હતી. કલેકટર ડો. તપસ્યા રાઘવે જણાવ્યું કે, સંઘપ્રદેશ પ્રશાસક પ્રફુલ પટેલના પ્રયાસથી મોટી અને નાની દમણનો જમ્પોર અને દેવકા બીચનો સીફ્રન્ટ રોડનો વિકાસ કરાયો છે જેની કોઇ કલ્પના પણ કરી ન હતી.

આ ઉપરાંત પર્યટન ઉદ્યોગને વધુ ગતિશીલ કરવા માટે દમણ એરપોર્ટ ટર્મિનલ અને ટ્રાન્સપોર્ટનગર બનાવવાની કામગીરી ખૂબ જ ઝડપભેર ચાલી રહી છે. સમારંભમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિ, સ્વાતંત્ર સેનાની અને ગ્રામ પંચાયતના સરપંચો હાજર રહ્યા હતા.

દમણ દિવ પ્રદેશના 61મા મુક્તિ દિવસ નિમિત્તે આજે સવારે 10 કલાકે ભારતીય જનતા પાર્ટી, દાદરા નગર હવેલી અને દમણ દિવ પ્રદેશ દ્વારા પાર્ટીના પ્રદેશ કાર્યાલય ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ભાજપ પ્રદેશ પ્રમુખ દિપેશ ભાઈ ટંડેલે તેમના વક્તવ્યમાં જણાવ્યું કે, હું દમણ પંથકની જનતાને 61માં મુક્તિ દિવસની શુભેચ્છા પાઠવું છું અને રાજ્યની આઝાદી માટે બલિદાન આપનાર બહાદુર સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાંજલિ આપું છું.

પ્રદેશમાં 2016 પછી વિકાસની ઝડપ વધી છે, આજે આપણે શાંતિપૂર્ણ, સૌમ્ય, સુંદર અને વિકસિત રાજ્ય તરફ આગળ વધી રહ્યા છીએ. ઉદ્યોગોના માધ્યમથી નવી તકો ખુલી છે. આપણા રાજ્યમાં કેટલાક લોકો એવા છે કે જેઓ લોકોને ઉશ્કેરે છે અને સમાજમાં રોષ ફેલાવે છે, સોશિયલ મીડિયા દ્વારા તેઓ સમાજમાં ગુસ્સો અને ભ્રમ ફેલાવે છે.

મુસ્લિમ એસોસિએશને રાષ્ટ્ર ધ્વજ ફરકાવી ઉજવણી કરી

જિલ્લાની સૌથી મોટી મુસ્લિમ સંસ્થા ”દમણ મુસ્લિમ એસોસિએશન” દ્વારા રવિવારે સંઘપ્રદેશ દમણ-દીવના 61માં મુક્તિ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. સવારે 10.30 કલાકે ખારીવાડ સ્થિત માંજરાસ પાર્કિંગ ખાતે મુક્તિ દિવસનો કાર્યક્રમ યોજાયો હતો. મુસ્લિમ સમાજના વડીલ અલ્હાજ અબ્દુલ અઝીઝ (વાહીદ ટ્રાન્સપોર્ટ, દમણવાલા) એ દેશના ગૌરવનું પ્રતિક ધરાવતો ત્રિરંગો ધ્વજ ફરકાવ્યો હતો.

ડીએમએ પ્રમુખ હાજી ખુર્શીદ માંજરાએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. મુસ્લિમ જમાતના લોકોએ અને મદરેસાના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રગીત જન ગણ મન ગાઈને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. હાજી ખુર્શીદ માંજરાએ પ્રદેશને આઝાદી અપાવનાર બહાદુર સપૂતોને યાદ કરીને દમણ-દીવના લોકોને 61માં મુક્તિ દિવસની શુભેચ્છા પાઠવી હતી. નવી પેઢીને માદરે વતન અને વતન પરસ્તી વિશે શીખવ્યું હતું. ઉજવણીમાં ધાબળા આપવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...