ચોરી:દમણ ડાભેલની કંપનીમાંથી પ્લાસ્ટિક દાણા બેગની ચોરી કરતા બે સિક્યુરિટી ગાર્ડ ઝડપાયા

દમણ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાત્રિએ મોપેડ ઉપર બે બેગ લઇ જતા શકમંદ હાલતમાં પોલીસે ઝડપી લીધા હતા

દમણના ગુરૂકૃપા સોમનાથ રોડ ઉપર બુધવારે રાત્રિએ પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે મળસ્કે સાડા ચાર વાગ્યાના સુમારે બે ઇસમો મોપેડ ઉપર પ્લાસ્ટિક બેગ લઇ જતા શંકાના આધારે પોલીસે તપાસ કરતા આ પ્લાસ્ટિકના દાણા ભરેલી બેગની જે કંપનીમાં તેઓ સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે ત્યાંથી ચોરી કરી હોવાની કબુલાત કરી છે. દમણ પોલીસે ચોરીના ગુના બંને આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

ડાભેલ સ્થિત મહિકા આઇ પેકેજિંગ કંપનીમાં નોકરી કરતા બે સિક્યુરિટી ગાર્ડ જ કંપનીમાંથી પ્લાસ્ટિકના દાણા ભરેલી બેગની ચોરી કરતા ઝડપાયા હતા. બુધવારે રાત્રે દમણ પોલીસે ગુરૂકૃપા સોમનાથ રોડ ઉપર પેટ્રોલિંગ કરી રહી હતી એ દરમિયાન મળસ્કે સાડા ચારેક વાગ્યાના સુમારે એક્ટિવા મોપેડ નંબર ડીડી 03 જે 6064 ઉપર બે ઇસમો બે વજનદાર બેગ સાથે જઇ રહ્યા હતા. પોલીસને શંકા જતા મોપેડને ઊભી રાખીને પૂછપરછ કરતા બંને ઇસમો કોઇ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા. બેગની તપાસમાં તેમાં અંદાજિત 50 કિલો પ્લાસ્ટિકના દાણા મળી આવ્યા હતા. શંકાના આધારે બંને ઇસમોને પોલીસ સ્ટેશનમાં લાવીને વધુ પૂછપરછ કરતા તેમની ઓળખ આનંદ દિગમ્બર રાણા રહે. દુનેઠા, નાની દમણ અને રાજેન્દ્ર રામપ્રસાદ ગોપ રહે. કચીગામ-નાનીદમણ તરીકે થઇ હતી.

આ બંને ઇસમો ડાભેલની મહિકા પેકેજિંગ કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે અને કંપનીમાંથી જ પ્લાસ્ટિકના દાણાની ચોરી કરીને સગેવગે કરવા લઇ જતા હતા. આ સંદર્ભે દમણ પોલીસે કંપની સંચાલકની ફરિયાદ લઇ કંપનીમાંથી ચોરી કરનારા સિક્યુરિટી ગાર્ડ આનંદ રાણા અને રાજેન્દ્ર ગોપની ધરપકડ કરી છે. આ ચોરીમાં કંપનીના અન્ય કર્મચારીની સંડોવણી છે કે કેમ ? એ દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...