તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જામીન નામંજૂર:દમણ ડાભેલમાં ડબલ મર્ડર કેસના 2 આરોપીના જામીન હાઇકોર્ટે નામંજૂર કર્યા

દમણ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ વર્ષ અગાઉ ધંધાની અદાવતમાં સોપારી આપી હત્યા કરાઇ હતી

દમણના ડાભેલમાં ત્રણ વર્ષ અગાઉ ભંગારના ધંધાની જૂની અદાવતમાં બે યુવકની ગોળી મારી થયેલી હત્યામાં મુંબઇ હાઇકોર્ટે બે આરોપીના જામીન નામંજૂર કર્યા છે. વાપી દમણ રોડ સ્થિત ડાભેલમાં 1લી માર્ચ 2018ની રાત્રીએ ભીમપોરમાં રહેતા અજય રમણભાઇ પટેલ અને તેમના મિત્ર ધીરેન્દ્ર પટેલ કારમાં વાપીથી દમણ આવી રહ્યા હતા ત્યારે ડાભેલ ચેકપોસ્ટ નજીક સ્કોર્પિયો કારે જોરદાર ટક્કર મારી હતી. અજય અને ધીરૂ પોતાનો જીવ બચાવવા માટે નજીકના બારમાં ભાગ્યા હતા જ્યા 6થી વધુ હથિયારધારી શુટરોએ બંને મિત્ર ઉપર અંધાધુંધ ફાયરિંગ કરતા મોતને ભેટ્યા હતા.

દમણ પોલીસે છોટુભાઇ પટેલની ફરિયાદ લઇને હાથ ધરેલી તપાસમાં જિ.પં.ના તત્કાલિક પ્રમુખ સુરેશ પટેલે ધંધાની અદાવતમાં સોપારી આપીને હત્યા કરાવી હોવાનું બહાર આવતા પોલીસે શાર્પ શુટર સહિત મુખ્ય આરોપી સુરેશ ઉર્ફે સુખા પટેલની પણ ધરપકડ કરી હતી. આ કેસમાં પારડી વિસ્તારમાં રહેતા કેતન ઉર્ફે ચકો ભીખુભાઇ પટેલ અને જયેશ કામળીની પણ ધરપકડ કરી હતી. ડબલ હત્યા કેસના આરોપી કેતન અને જયેશ કામળીએ મુંબઇ હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી. ગુરૂવારે હાઇકોર્ટના ન્યાયધિશ ભારતી ડાંગરેએ બંને આરોપીની જામીન અરજી રદ કરી હતી.

આરોપીએ કોર્ટમાં એવી દલીલ કરી હતી કે, પોલીસ દ્વારા તેમને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે. જ્યારે સરકારી વકીલ હિતેશ વેનેગાવકરે પ્રત્યુત્તર આપ્યો કે, આરોપીએ ભાડેથી શુટરો મંગાવીને હત્યા કરાવી હતી. આ બંને આરોપી પણ ગુનામાં સંડોવણી હોવાથી જામીન મળવા જોઇએ નહિં. હાઇકોર્ટે સરકારી વકીલની દલીલ ગ્રાહ્ય રાખીને બંને આરોપીના જામીન નામંજૂર કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...