પોલીસનો સકંજો:બેંકના નામે કે અન્ય તરકીબથી દેશના 600 લોકોના બેંક ખાતા ખાલી કરનારી ઝારખંડની ગેંગ ઝડપાઈ

દમણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દમણના વેપારીએ SMS પર આવેલા નંબર ઉપર કોલ કરતા જ 14.16 લાખ ખાતામાંથી ઓનલાઈન ટ્રાન્સફર કરી દીધા હતા

ભારત ભરમાં 600થી વધુ લોકોના ખાતામાંથી રૂપિયા ઉપાડી લેતી ગેંગના ચાર આરોપીની દમણ પોલીસે ઝારખંડથી ધરપકડ કરી તેમના પાસેથી ફોન, સિમકાર્ડ, ડેબિટ કાર્ડ-ક્રેડિટ કાર્ડ કબજે લઇ તેમના અકાઉન્ટના 6.34 લાખ રૂપિયા ફ્રીઝ કરી કાર્યવાહી હાથ ધરી છે. દમણના એક વેપારીએ ફોન પર વાત કરતા જ તેના ખાતામાંથી 14.16 લાખ ઉપડી જતા આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

સંઘપ્રદેશ દમણના કોસ્ટલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા એક વેપારીએ 16 જુલાઇ 2021ના રોજ પોલીસ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેમના બેંક અકાઉન્ટમાંથી રૂ.14,16,000 કોઇ અજાણ્યા ઇસમે પોતાના અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લીધા છે. જેના આધારે કોસ્ટલ પોલીસે મોટી દમણમાં છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જે બાદ અન્ય કલમ પણ ફરિયાદમાં નોંધાવાયો હતો.

આ કેસમાં પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, ફરિયાદીને ફોન ઉપર એક અજાણ્યા ‌વ્યક્તિએ એસએમએસ કરતા તે નંબર ઉપર વેપારીએ ફોન કર્યો હતો. ફોન કરતા જ અચાનક વેપારીના ખાતામાંથી રૂ.14.16 લાખ ઉપડી ગયા હતા. ફરિયાદી પાસે ફોન નંબર સિવાય કોઇ પણ પ્રકારની આરોપીની માહિતી ન હતી. જેને લઇ દમણ પોલીસના પીએસઆઇ ભરત પરમારના માર્ગદર્શન હેઠળ પોલીસની એક ટીમ બનાવી તપાસ શરૂ કરાઇ હતી. ફરિયાદના આધારે હ્યુમન ઇન્ટેલિજંસ અને ટેક્નિકલ એનાલિસીસ ઉપર કામગીરી કરતા કુલ 4 આરોપીને પોલીસ ઝારખંડ વિસ્તારથી ઉચકી લાવી છે.

દમણ પોલીસે આરોપીને વતનમાંથી દબોચ્યા
દમણ પોલીસે આરોપી શાહબાજ ફુરકાન અંસારી ઉ.વ.21, તસ્લીમ અંસારી રાખેલ મિયા ઉ.વ.38, કાઉસ અંસારી ગફુર મિયા ઉ.વ.39 ત્રણેય રહે.ગામ પિંડારી કરમાટાંડ તાલુકા કરમાટાંડ જિલ્લા જામતારા ઝારખંડ અને આરોપી હાકિમ હબીબ રહમાન અંસારી ઉ.વ.31 રહે.ગામ પટરગતિયા પાલાઝોરી તાલુકા દેવઘર જિલ્લા દેવઘર ઝારખંડ ની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. આરોપીને કોર્ટમાં રજૂ કરી પોલીસે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

નેશનલ સાયબર ક્રાઇમ પોર્ટલથી ગુનાનો ભેદ ખુલ્યો
દમણ પોલીસે ઇસમોની ધરપકડ બાદ નેશનલ સાયબર ક્રાઇમ પોર્ટલ ઉપર તમામ આરોપીઓની માહિતી આપતા ભારતના અલગ અલગ રાજ્યમાં 600થી વધુ સાયબર ક્રાઇમ તેઓ કરી ચૂક્યા હોવાની ચોંકાવનારી વિગતો મળી આવી હતી. તેમજ તમામ આરોપી ઝારખંડના જામતારાથી ફરાર હતા અને ભારત ભરના સાયબર ક્રાઇમમાં વોન્ટેડ પણ હતા. રિમાન્ડ દરમિયાન આરોપીની ઠગવાની મોડસ ઓપરેન્ડી બહાર આવશે. આ ઉપરાંત અન્ય કેટલાની સંડોવણીની જાણ થશે.

910 કાર્ડની માહિતી એકત્ર
પોલીસે આરોપીઓ પાસેથી 10 મોબાઇલ, 16 સિમ કાર્ડ જે વોટ્સએપ લોગીનમાં વાપરતા હતા, 2 અન્ય મોબાઇલ નંબર જે વોટ્સએપ લોગીન માટે વાપરતા, રોકડા રૂ.68010, અલગ અલગ બેંક અકાઉન્ટના રૂ.6,34,336 ફ્રીઝ કરાયા અને 910 ડેબિટ-ક્રેડિટ કાર્ડની માહિતી એકત્ર કરી છે.

ઠગ આ એપ યુઝ કરતા હતા
ઓનલાઇન ઠગતા ઇસમો ગુગલ એડ્સ, ગુગલ ફોર્મ, પે-ટીએમ, એરોનપે, ફ્રીચાર્જ, મોબીક્વીક અને એસબીઆઇ યોનો ઇન્ટરનેટ બેંકિંગ એપ્લીકેશન યુઝ કરી લોકો સાથે ઠગાઇ કરતા હતા.

અન્ય સમાચારો પણ છે...