કોર્ટેનો ચુકાદો:દમણની બેવડી હત્યામાં કોર્ટમાં હાજર ન રહેતા જિલ્લા પંચાયતના માજી પ્રમુખને 4 વર્ષ કેદની સજા ફટકારાઇ

દમણ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રોકલેમેશન કાર્યવાહીમાં કોર્ટના બિન જામીન વોરન્ટમાં હાજર ન રહી અનાદર કર્યો હતો, IPC 174(A) મુજબ સજા અપાઇ

દમણના ડાભેલ સ્થિત એક બારમાં 1લી એપ્રિલ 2018ના રોજ હથિયારધારી પાંચથી છ ઇસમોએ ફિલ્મી સ્ટાઇલમાં અંધાધૂંધ ફાયરિંગ કરીને બે મિત્રોની હત્યા કરી હતી. પોલીસ તપાસમાં દમણ જિલ્લા પંચાયતના માજી પ્રમુખે સોપારી આપી શાર્પશુટર પાસે હત્યા કરાવી હોવાનું ખુલતા પોલીસે તેની પણ ધરપકડ કરી હતી. જોકે, અગાઉ કોર્ટના બિનજામીન વોરન્ટ અને હાજર રહેવાના આદેશના અનાદર કેસમાં મંગળવારે દમણના મુખ્ય ન્યાયધિશે આ કેસમાં જિલ્લા પંચાયતના માજી પ્રમુખને દોષી જાહેર કરીને ચાર વર્ષ કેદની સજા અને 25 હજારનો દંડ ફટકારતી સજા સંભળાવી છે.

વાપી દમણ મુખ્ય સ્થિત ડાભેલના વિશાલ બાર એન્ડ રેસ્ટોરન્ટમાં ગત 1લી એપ્રિલ 2018ની રાત્રીએ અજાણ્યા ઇસમોએ આડેધડ ફાયરિંગ કરીને ભીમપોરમાં રહેતા બે મિત્ર અજય રમણભાઇ પટેલ ઉર્ફે માંજરો અને ધીરેન્દ્ર ઉર્ફે ધીરૂ પટેલની હત્યા કરી હતી. આ કેસમાં દમણ પોલીસે આઇપીસી 341, 302 અને આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં 15 આરોપીની ધરપકડ કરી છે જેમાં 13 જયુડિશિયલ કસ્ટડીમાં છે.

ડબલ મર્ડરની તપાસમાં દમણ જિલ્લા પંચાયતના માજી પ્રમુખ સુરેશ ઉર્ફે સુખા જગુભાઇ પટેલની સંડોવણી હોવાનું બહાર આવતા પોલીસે તેની અને સાગરિતોની ધરપકડ કરી હતી. જોકે, ધરપકડ અગાઉ જિલ્લા પંચાયતની કચેરીમાંથી ફરાર થઇ ગયો હતો. ત્યારબાદ પોલીસે પ્રોકલેમેશન મુજબબ કાર્યવાહી હાથ ધરી હતી. દમણ કોર્ટે આરોપી સામે બિન જામીનપાત્ર વોરન્ટ ઈસ્યુ કરીને કોર્ટમાં હાજર રહેવા આદેશ કર્યા હતા જેમાં પણ આરોપીએ કોર્ટનો અનાદર કર્યો હતો.

દમણ પોલીસે આઇપીસી 174 એ મુજબ ગુનો નોંધ્યો હતો. આ કેસમાં એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર દેશપાંડેની દલીલ, સાક્ષી અને નિવેદનને ધ્યાનમાં રાખીને કોર્ટે મંગળવારે આરોપી સુરેશ ઉર્ફે સુખા પટેલને કોર્ટ કાર્યવાહીના અનાદર બદલ દોષી જાહેર કરીને 4 વર્ષની સખત કેદની સજા અને 25 હજારનો દંડની સજા સંભળાવી હતી.જોકે, હજુ હત્યા કેસનો ચૂકાદો બાકી છે.

અન્ય સમાચારો પણ છે...