વળતરની માંગ:દમણમાં જેટીની પ્રોટેકશન વોલ સાથે અથડાતા બે બોટની જળસમાધિ

દમણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 50થી વધુ બોટને નુકશાની, માછીમારીની સિઝનની શરૂઆતમાં જ પડતા પર પાટુ, પ્રશાસન સમક્ષ વળતરની માંગ ઉઠી

સમગ્ર વલસાડ જિલ્લાની સાથે સંઘપ્રદેશ દમણ અને દાનહમાં ત્રણ દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. આ ઉપરાંત મધુબન ડેમના કેચમેન્ટ એરિયામાં વરસાદના પગલે હાલ ડેમમાંથી સવા લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જેને લઇ દરિયો તોફાની બન્યો છે. દમણના જેટી બનેલી પ્રોટેકશ વોલમાં ભંગાણ થતાં ત્યાં લાંગેરલી બે બોટ તૂટીને દરિયામાં જળ સમાધિ લીધી હતી. જ્યારે 50થી વધુ બોટને ભારે નુકશાની પહોંચી હોવાનું જાણવા મળે છે.

મધુબન ડેમના ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને પગલે ડેમમાંથી સવા લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમમાંથી છોડાતા ભારે પાણીના પ્રવાહના કારણે ધમધસતા પાણીનાં પ્રવાહને લઈ દમણગંગા નદી ઉફાન પર ચઢવા પામી છે. ત્યારે દમણનાં નાની દમણ સમુદ્રનારાયણ જેટી કિનારે સોમવારનાં રોજ માછીમારોની લંગારેલી બોટ પૈકી હરીકૃપા બોટ નંબર DD-03-MM-00017 અને DD-03- MM- 00066 દરિયા દોલત નામની બન્ને બોટ નજીકમાં બનાવેલ પથ્થરની પ્રોટેક્શન વોલ સાથે પાણીનાં વહેણમાં સતત અથડાતાં બન્ને બોટ તૂટીને પાણીમાં ગરકાવ થઈ જવા પામી હતી.

જને લઈ બન્ને બોટનાં માલિકોને ભારે નુક્શાની થઇ છે. એટલું જ નહીં પણ બન્ને બોટ પર માછીમારી કરવા માટેનો જરૂરી સામાનની સાથે 600 લીટર જેટલું ડીઝલ પણ પાણીમાં વહી ગયું હતું. બંને માછીમારોને બોટ ડૂબવાથી અંદાજીત 16 લાખનું નુક્શાન થયું છે. આ ઉપરાંત પ્રોટેકશન વોલ તૂટવાને કારણે અન્ય 50થી વધુ બોટને પણ નાનું મોટી નુકશાની થઇ છે. હાલ કોરોના કાળમાં જેમ તેમ કરીને માછીમારી શરૂ કરનાર માછીભાઇને પડતા ઉપર પાટું જેવી સ્થિતિ થતા પ્રશાસન દ્વારા નુકશાનીનો સરવે કરીને જરૂરી સહાય ચુકવવામાં આવે એવી માગ ઉઠી છે.

પ્રોટેક્શન વોલના તારમાંથી પથ્થરો બહાર આવી જતાં બોટોને ભારે નુકશાની થઈ
બે વર્ષ અગાઉ પ્રશાસન દ્વારા જેટી કિનારે પથ્થરની પ્રોટેક્શન વોલ બનાવી છે એ માછીમારોને વિશ્વાસમાં લીધા વિના બનાવી હતી. પ્રોટેક્શન વોલના તારમાંથી પથ્થરો બહાર આવતાં લડકાની બોટોને નુક્શાન પહોંચી શકે છે. સોમવારે પાણીનાં પ્રવાહને લઈ બન્ને બોટ સતત પ્રોટેક્શન વોલ સાથે અથડાતા તૂટીને પાણીમાં ગરક થઇ છે. કોરોનાકાળમાં માછીમારોને મોટું નુક્શાન થયું હતું. જેમાંથી માંડ બહાર આવવા મથી રહ્યા હતા ત્યારે સિઝનની શરૂઆતમાં જ 50થી વધુ બોટને નુકશાની થઇ છે. પ્રશાસન આ બાબતે યોગ્ય વળતર ચૂકવે એવી માંગ માછીમારોએ કરી છે.- હિતેશભાઇ, સ્થાનિક માછીમાર - દમણ

અન્ય સમાચારો પણ છે...