રસીકરણની તૈયારી:વલસાડ જિલ્લામાં ત્રણ દિવસમાં 15 થી 18 વર્ષના 58,217 વિદ્યાર્થીઓનું કોવિડ વેક્સિનેશન કરાશે

વલસાડ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શિક્ષણ અને આરોગ્‍ય વિભાગે શાળા/ કોલેજના આચાર્યોને વિડીયો કોન્‍ફરન્‍સના માધ્‍યમથી માર્ગદર્શન આપ્‍યું

સમગ્ર રાષ્‍ટ્રમાં ત્રીજી જાન્યુઆરીથી થી પાંચમી જાન્‍યુઆરી, 2022 દરમ્યાન ત્રણ દિવસ દરમિયાન 15થી 18 વર્ષની વયના બાળકોનું વેક્સિનેશન હાથ ધરવામાં આવનાર છે. વલસાડ જિલ્લાની માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા, કોલેજ, ITI અને અન્‍ય શૈક્ષણિક સંસ્‍થાઓના વિદ્યાર્થીઓને વેક્સિનેશન સંદર્ભે જિલ્લા શિક્ષણાધિકારી કે.એફ.વસાવા, મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી ડૉ.અનિલ પટેલ અને આર.સી.એચ.ઓ. ડો.એ.કે.સિંઘ દ્વારા શાળાના તમામ આચાર્યો સાથે વિડીયો કોન્‍ફરન્‍સ યોજી બાળકો/ વાલીઓને જાગૃત્ત કરવા, સરકારની જરૂરી તમામ માર્ગદર્શક સૂચનાઓ અને આચાર્યોને મૂંઝવતા પ્રશ્નોનું જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું. વીડિયો કોન્‍ફરન્‍સ બાદ શાળા/ કોલેજ કક્ષાએ આચાર્યોએ બાળકોના વાલીઓ સાથે બેઠકનું આયોજન કરી વેકસીનેશન અંગે જરૂરી સમજણ અને માર્ગદર્શન આપ્‍યું હતું.

જિલ્લા શિક્ષણાધિકારી કે. એફ. વસાવાએ જણાવ્‍યું હતું કે, માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શાળામાં અભ્‍યાસ કરતાં 15થી 18 વર્ષના વિદ્યાર્થીઓની સંખ્‍યા 58,217 થવા જાય છે. જેમાં વલસાડ તાલુકાના 13,083, પારડી તાલુકાના 6,583, વાપી તાલુકાના 14,782, ઉમરગામ તાલુકાના 7,812, ધરમપુર તાલુકાના 4,772 ઉપરાંત કોલેજના 4,772 અને ITIના 1,122 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. તમામ વિદ્યાર્થીઓનું વેક્સિનેશન આરોગ્‍ય વિભાગ દ્વારા શાળામાં જ કરવામાં આવશે, જેથી શાળા, કૉલેજ, ITI અને અન્‍ય શૈક્ષણિક સંસ્‍થાઓના વિદ્યાર્થીઓનું સંસ્‍થાઓનું સમયસર રસીકરણ કરાવવા જણાવ્યું છે. વેક્સિનેશન માટે રજીસ્‍ટ્રેશન કરાવ્‍યું નથી, તેઓએ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, વલસાડ અને મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારીની કચેરીનો અચૂક સંપર્ક કરવા જણાવ્‍યું હતું.

આ વેક્સિનેશનમાં સરકાર અને આરોગ્‍ય વિભાગ દ્વારા આપવામાં આવેલી સૂચનાઓનું શાળા, વિદ્યાર્થીઓ, વાલીઓએ વેક્સિનેશન સમયે ખાસ ધ્‍યાન રાખવા જણાવાયું છે. જે અનુસાર તા.31 ડિસેમ્બર 2007 પહેલાં જન્‍મેલ તમામ બાળકો વેક્‍સીન લઈ શકશે. કોવિન સોફટવેરમાં બાળકોનું ઓનલાઈન રજીસ્‍ટ્રેશન કરાવવાનું રહેશે. આ રજીસ્‍ટ્રેશનમાં બાળકોએ પોતાનો અથવા વાલીનો મોબાઇલ નંબર આપવાનો રહેશે. એક મોબાઇલ નંબર દીઠ 4 લાભાર્થીઓનું રજીસ્‍ટ્રેશન થઈ શકશે. લાભાર્થીએ પ્રથમ ડોઝના વેક્સિનેશન માટે જે મોબાઈલનો ઉપયોગ કરેલ હશે, તે જ મોબાઇલ નંબરનો ઉપયોગ બીજા ડોઝના વેક્સિનેશન માટે કરવાનો રહેશે. રજીસ્‍ટર કરેલ મોબાઇલ નંબર પર લિંક મારફત વેક્સિનેશન સર્ટિફિકેટ મેળવી શકાશે. શાળામાં વેકસીનેશન સમયે પણ રજીસ્‍ટ્રેશન કરાવી શકાશે. બાળકોનું આઈ.ડી. પ્રૂફમાં સરકાર માન્‍ય કોઈપણ ID, આધારકાર્ડ અને જન્‍મ તારીખ દર્શાવતું પ્રમાણપત્ર અથવા લિવિંગસર્ટી વેક્સિનેશન/ રજીસ્‍ટ્રેશન સમયે સાથે લાવવાનું રહેશે.

જે વિદ્યાર્થીને કોઈક મેડિકલ પ્રોબ્‍લેમ હોય કે કોઈ દવા ચાલુ હોય તેમણે પોતાના અંગત ડૉક્‍ટર કે નજીકના આરોગ્‍ય કેન્‍દ્રની સલાહ લઈને વેક્સિનેશન કરાવવાની સલાહ આરોગ્‍ય વિભાગ દ્વારા આપવામાં આવી છે.કોરોના મુક્‍ત શાળા અને કોરોના મુક્‍ત રાષ્‍ટ્ર બનાવવામાં આપણે સૌ સહભાગી બનીએ અને સરકારને વેક્સિનેશનમાં સહકાર આપીએ એવી અપેક્ષા સાથે રસીકરણનું આયોજન કરવામાં આવ્‍યું છે, જેનું યોગ્‍ય પાલન થાય એ માટે વિદ્યાર્થીઓ અને વાલીઓને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...