સરીગામમાં ગર્ભવતી પર દુષ્કર્મની આશંકા:દિયર સાથે કારમાં હોસ્પિટલ જતી વખતે ત્રણ લોકો અંગત અદાવતમાં અપહરણ કરી જંગલમાં લઈ ગયા

ભીલાડ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર.
  • દિયરને માર મારીને મોબાઇલ લૂંટી બાઇક ઉપર બેસાડીને છોડી દેવાયો
  • મહિલા 10 કિમી દૂર ડુંગરાળ જંગલપટ્ટી વિસ્તારમાં કારમાંથી મળી

સરીગામ ખાતે રહેતી ચાર માસનો ગર્ભવતી મહિલાને બુધવારની મધ્યરાત્રિએ અચાનક પેટમાં દુખાવો ઊપડતાં દીયર અને તેમનો મિત્ર કારમાં સરીગામની ચિત્રકૂટ હોસ્પિટલ લઈ જઇ રહ્યા હતા. આ દરમિયાન કેડીબી હાઈસ્કૂલ પાસે ત્રણ ઈસમે બાઇકની આડશ ઊભી કરી કારને રોકી દીધી હતી. દિયર અને મિત્રને માર મારીને બે મોબાઇલની લૂંટ ચલાવીને ફરિયાદીની કારમાં જ મહિલાનું અપહરણ કરી ગયા હતા. ત્રણ ઇસમ અપહરણ કરી 10 કિમી દૂર નિકોલી ડુંગરાળ વિસ્તારમાં લઇ ગયા હતા, જ્યારે મહિલાના દિયરને સ્કૂટર પર બેસાડી નગર પાસે લઈ જઈ માર મારતાં અપહરણની ચુંગાલમાંથી ભાગી છૂટ્યો હતો.

ભિલાડ પોલીસનાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ઉમરગામ તાલુકાના સરીગામ ખાતે 6 જાન્યુઆરીના રોજ રાત્રિના સાડાબાર વાગ્યે કારમાં મહિલાને પેટમાં દુખાવો ઉપાડતાં દિયર અને મિત્ર વિકી સાથે સરીગામની ચિત્રકૂટ હોસ્પિટલમાં જઈ જવામાં આવી રહી હતી. એ દરમિયાન કે.ડી.બી. હાઈસ્કૂલ પાસે શિવસેના ઓફિસ સામે સુનીલ વિજય વારલી (રહે. નવી નગરી, પાગીપાડા - સરીગામ), રાહુલ બાબુરાવ કામલે (રહે. સરીગામ, રામુભાઇની ચાલમાં સરીગામ)તથા સૂરજ વિધાનંદ ઝા(રહે. ઇમરાન નગર, વિશ્રમભાઈની ચાલમાં, સરીગામ)એ મહિલાના દિયરે સુનીલની વિરુદ્ધમાં કરેલી ફરિયાદની અદાવત રાખી કાર સામે મોટરસાઇકલ નંબર જીજે 15 બીજી 9760ને આગળ મૂકી કારને રોકી દીધી હતી. મહિલાના દિયર અને તેના મિત્ર વિકી સાથે બોલાચાલી કરીને ઝઘડો કર્યો હતો.

દિયર સુનીલને મૂઢમાર મારી દિયર અને મિત્ર વિક્કીના બે મોબાઈલની લૂંટ કરી હતી. મહિલાના દિયરને સ્કૂટર પર અપહરણ કરી રાય સાગર બિલ્ડિંગ પાસે લઈ જઈ માર માર્યો હતો. મહિલાનો દિયર અંધારાનો લાભ લઈ ચુંગાલમાંથી ભાગી છૂટ્યો હતો, જ્યારે મહિલાને કારમાં આબરૂ લેવાના ઇરાદાથી ગુનાહિત બળ વાપરી અપહરણ કરી ગયા હતા. મહિલાનું અપહરણ અંગે ભિલાડ પોલીસને જાણ કરાતાં પોલીસે મહિલાને ઉમરગામ તાલુકાના ધોડીપાડા પંચાયત વિસ્તારના નિકોલી ગામ ખાતેથી કારમાંથી મળી આવી હતી. મહિલાનું મધ્યરાત્રિએ ત્રણ ઈસમ દ્વારા કારમાં અપહરણ કરનાર આરોપીઓનેને શોધી કાઢવા ભિલાડ પોલીસની ટીમ એસઓજી અને એલસીબીની ટીમ કામે લાગી હતી, જેમાં પોલીસને સફળતા મળી હતી. પોલીસે ત્રણેય ઈસમને તાબામાં લીધા છે.

મધ્યરાત્રિએ મહિલાને કારમાં ઉઠાવી જઈ 10 કિમી દૂર ડુંગરાળ વિસ્તાર ઝાડી જંગલ વિસ્તારમાં લઇ જતાં સામૂહિક દુષ્કર્મની આશંકા પણ સેવાઈ રહી છે. જોકે મહિલા સાથે સામૂહિક અઘટિત ઘટના બની કે એ પોલીસ તપાસ બાદ બહાર આવશે. આ બનાવ અંગે મહિલાના દિયરે ઉપરોક્ત ત્રણ ઈસમ વિરુદ્ધ ભિલાડ પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો છે. ભિલાડ પોલીસે આઇપીસી 354,394,365,34 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

દિયર સાથે અદાવતમાં ભાભીનું કારમાં અપહરણ કરાયું
મહિલાને મધ્યરાત્રિએ દુખાવો ઊપડતાં નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે દિયર સાથે કારમાં જઈ રહી હતી. મહિલાના દિયર સાથે અંગત અદાવત રાખી સ્કૂટર પર આવેલા ત્રણેય ઈસમે સ્કૂટરની આડ ઊભી કરી મહિલાને કારમાં ઉઠાવી જઈ સરીગામથી 10 કિમી દૂર નિકોલી ડુંગરાળ વિસ્તારમાં છોડીને ફરાર થઇ ગયા હતા.

અપહરણકર્તાને પોલીસે ઝડપી પાડયા
મહિલાનું ત્રણ ઈસમે અપહરણ કર્યાની જાણ ભિલાડ પોલીસને થતાં સ્થાનિક પોલીસ, એસઓજી અને એલસીબીની ટીમ રાત્રે કામે લાગી હતી. બે અપહરણ કરનારાને ગણતરીના કલાકમાં જ ઘરમાં ઊંઘતા ઝડપી પાડી તાબે લીધા હતા.

પીડિતાનો મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યો
હાલ પોલીસે આબરૂ લેવાના ઇરાદે મહિલાનું અપહરણ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ લીધી છે. દુષ્કર્મ અંગે હાલ કશું કહી શકાય એમ નથી. મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ જ દુષ્કર્મની પૃષ્ટિ થઇ શકે એમ છે.
- શ્રીપાલ શ્રેષ્મા, એએસપી - વાપી