કાર્યવાહી:ભીલાડમાં રૂ. 40ની લાલચે કંપની સંચાલકે લેપટોપ- રોકડા ગુમાવ્યા

ભીલાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તમારા રૂપિયા પડી ગયા છે કહેતા કારથી ઉતર્યા હતા

ભીલાડ નરોલી ફાટક પાસે 2જી સપ્ટેમ્બરનાં રોજ બપોરે ત્રણ કલાકે કંપની સંચાલકે કારમાંથી નીચે ઉતરી રૂ.40 ઉઠાવવા જતા ગઠિયો રૂ.50 હજારની કિંમતનું લેપટોપ અને રૂ.40 હજાર રોકડ ભરેલ બેગ લઈ ફરાર થઈ ગયો હતો. ભીલાડ પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મુંબઈ રહેતા પરમાનંદ ભિષ્મલાલ ભાટિયા વાપી બલીઠા ખાતે પરમકેર લાઇફ પ્રા. લિમિટેડ નામની કંપની ધરાવે છે. 2 જી સપ્ટેમ્બરનાં મિટિંગને લઈ બપોરે 2.30 કલાકે ભીલાડ નરોલી ફાટક પાસે આવ્યા હતા.

બાપુ હોટલ સામે કાર પાર્ક કરી હોટલમાં મિટિંગ પતાવી બાજુમાં આવેલી હોટલમાં ચા પીને પરત ગાડીમાં બેઠો હતો. તે સમયે એક 25થી 26 વર્ષીય યુવાન કાર પાસે આવીને તમારા પૈસા પડી ગયા હોવાનું જણાવતા કંપની સંચાલક પરમાનંદ નીચે ઉતરી પૈસા જોવા ગયો હતો. કારની ડાબી બાજુ રૂ.10નાં દરની ચાર નોટ પડી હતી. કારચાલકે નોટ ઊંચકી કારમાં બેસી ગયો હતો.કારની પાછળ સીટ પર જોતા બેગ ન દેખાતા કંપની સંચાલક હોટલમાં જઈ સીસી ટીવી કેમેરા ચેક કરતા બે યુવાનો કારનો પાછળનો દરવાજો ખોલી બેગ લઈને નીકળી ગયો હોવાનું જણાઇ આવ્યું હતું.

કારમાં રૂ.50 હજારની કિંમતનું લેપટોપ અને રૂ.40 હજાર રોકડા હતા. આ બનાવ અંગે કાર ચાલક પરમાનંદ ભાટિયાએ ભીલાડ પોલીસ મથકમાં રૂ. 90 હજારની કિંમતની ચિલ ઝડપ થઈ હોવાની બે અજાણ્યા ઇસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. માત્ર 40 રૂપિયાની લાલચમાં સંચાલકે રોકડા અને લેેપટોપ ગુમાવવા પડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...