ફરિયાદ:બિલીયાના રાશનકાર્ડ ગ્રાહકો વ્યાજબી ભાવના પરવાનેદારની મનમાનીથી ત્રાહિમામ પોકાર્યા

ભીલાડ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 53 બોગસ રાશન કાર્ડ બનાવીને સરકારી અનાજ ઓહિયા કરી ગયો હતો

બિલિયા ગામમાં તંત્રએ વ્યાજબી ભાવની દુકાન કાર્ય વિસ્તાર બહારની મંડળીને પધરાવી દીધી છે. વ્યાજબીભાવના દુકાનદારના પરવાનેદારની મનમાની, ભષ્ટાચાર તથા ગામ બહાર દુકાન ખસેડી લેતા તંગ આવી ગયેલા ગરીબ ગ્રાહકોએ પુરવઠા મંત્રીને લેખિત રાવ કરી છે. કાર્ય વિસ્તારની મંડળીનું પરવાનો કાયમી ધોરણે રદ કરવા જણાવ્યું છે.

ઉમરગામ તાલુકાના બિલીયા ગામના સ્કૂલ ફળિયા ખાતે નિરા તાળગોળ મંડળી દ્વારા વ્યાજબી ભાવની દુકાન ચલાવી રહી છે. નિરા તાળગોળ મંડળીનું કાર્ય વિસ્તાર મરોલી અને તળગામ પૂરતું સીમિત હોવા છતાં પરવાનેદાર પોતાની પહોચ અને સરકારી તંત્રના આશિર્વાદ મળતા કાર્ય વિસ્તાર બહાર બિલીયામાં વ્યાજબી ભાવની દુકાન ચલાવવાનો પરવાનો મેળવી લીધેલો છે. પરવાનેદારે સરકારી અધિકારીની મિલીભગત થકી 53 જેટલા રાશન કાર્ડ બોગસ બનાવી લીધા હતા. વર્ષો સુધી ભષ્ટાચાર આચાર્યો હતો. પાપ છાપરે પોકારતા ગામ લોકોની ફરિયાદ બાદ તપાસ થતાં પરવાનેદાર પાસેથી 53 બોગસ રાશન કાર્ડ ઝડપાયા હતા.

છતાં તંત્રએ રાશન કાર્ડ કંઈ રીતે અને કેવી રીતે તથા કેટલા વર્ષ પહેલાં બનાવી સરકારી અનાજ પુરવઠો લીધો તેની પૂરતી તપાસ કર્યા વિના નજીવી રકમ 9,920 રૂપિયા દંડ ફટકારી પરવાનાદારને ફરી ભષ્ટાચાર આચારવાનું પ્રમાણપત્ર આપ્યું હોઈ તેમ ફરી વ્યાજબી ભાવની દુકાન ચાલવાનો પરવાનો આપી દીધો છે. પરવાને દારને પરવાનો મળતા પોતાની મનમાની ચલાવી દુકાનનું સ્થળ બદલી દુકાન ગામ બહાર ખસેડી લીધી છે. જેના લીધે ગ્રાહકો પાંચ કિમી દૂર પગપાળા રાશન લેવા જવા માટે મજબૂર બનવું પડ્યું છે.

નિરા તાળગોળ મંડળીનું કાર્યક્ષેત્ર મરોલી અને તળગામ સુધી હોવા છતાં કાર્યક્ષેત્ર બહાર બિલીયામાં દુકાન ચલાવવા પરવાનો આપી દીધેલ છે. પરવાને દારની મનમાની અને કાર્ય વિસ્તાર બહારની મંડળીને લઈ ગ્રાહકોએ વ્યાજબી ભાવનો પરવાનો કાયમી ધોરણે રદ કરવા અન્ન અને પુરવઠા મંત્રીને લેખિત ફરિયાદ કરી છે. ઘણા સમયથી બિલીયામાં ગ્રાહકોને પરવાનેદાર દ્વારા હાલાકીનો સામનો કરવો પડે છે.

અન્ય સમાચારો પણ છે...