સરીગામ જીઆઇડીસીની સ્થાપનાનાં 40 વર્ષ પૂર્ણ થવા છતાં ઉદ્યોગો માટે સોલીડ વેસ્ટ,ડોમેસ્ટિક વેસ્ટનાં સંગ્રહ કરવા માટે સરીગામ નોટી ફાઈડ વિસ્તારમાં એકેય પ્લોટ નથી. પ્લોટની સૈદ્ધાંતિક મંજૂરી મળવા છતાં પ્લોટની ફાળવણી ન થતાં ઉદ્યોગપતિમાં નારાજગી વ્યાપી જવા પામી છે. સરીગામ એસઆઇએ દ્વારા પ્લોટ ફાળવણી માટે છેલ્લા ચાર વર્ષ થી રજૂઆત કરવામાં આવી રહી છે.સોમવારે એસઆઇએનું પ્રતિનિધિ મંડળ ગાંધીનગરની ઉચ્ચ કચેરીએ રજૂઆત કરશે. દિલ્લી સુધી રજૂઆતની તૈયારી કરવામાં આવી છે.
સરીગામ ખાતે વર્ષ 1982માં જીઆઇડીસીની સ્થાપના કરવામાં આવી હતી. ગણ્યાં ગાંઠ્યા નાના એકમો સાથે શરૂ થયા બાદ સરીગામ જીઆઇડીસીમાં આજે 700 થી વધુ એકમો ધમધમી રહ્યા છે. સરીગામ એકમો માટે પાયાની જરૂરિયાત રોડ,પાણી અને વીજળી પૂરી પાડવામાં આવી છે. કેમિકલ એકમોમાંથી નીકળતું પ્રદૂષિત પાણીને ટ્રીટમેન્ટ કરવા માટે 15 એમએલડીની ક્ષમતા ધરાવતી સીઈટીપીની સુવિધા ઊભી કરવામાં આવી છે પરંતુ એકમો માટે માળખાકીય સુવિધા ગણાતી સોલીડ વેસ્ટ,ડોમેસ્ટિક વેસ્ટ અને સીઈટીપી માટે આજ દિનસુધી સરકાર દ્વારા પ્લોટની ફાળવણી કરવામાં આવી નથી.
સરીગામ એસઆઇએ સંગઠનનાં પૂર્વ પ્રમુખ શિરીષ ભાઈ દેસાઈ,ઉદય ભાઈ મારબલી,મુરજીભાઈ કટારમલ,વી ડી. શિવદાસ અને પ્રમુખ કમલેશ આઇ ભટ્ટ,સેક્રેટરી હેમંતભાઈ મંડોલી,પૂર્વ સેક્રેટરી કૌશિક પટેલ,સમીમ રીઝવી સહિતનાં સંગઠનની ટીમ દ્વારા ઉદ્યોગોનાં ડેવલેપમન્ટ,સ્વચ્છ ભારત અભિયાન મિશન સાકાર કરવા માટે સરકાર પાસે છેલ્લા ચાર વર્ષથી પ્લોટ ફાળવવા માંગણી કરી રહ્યા છે. પ્લોટની સૈદ્ધાંતિક મંજૂરી પણ મળી છે. સ્થાનિક કચેરીથી વડી કચેરીએ ફાઇલ પડી છે. હાલ આ પ્લોટની ફાળવણી માટે એક પાર્ટીએ પ્રયાસો કર્યા હોવાની માહિતી મળી રહી છે.
નાણામંત્રી અને ઉદ્યોગમંત્રી પર ઉદ્યોગપતિઓની મીટ
સરીગામનાં ઉદ્યોગપતિ ઓ ઉદ્યોગોનાં ડેવલપમન્ટ માટે સરકાર દ્વારા તાત્કાલિક પ્લોટની ફાળવણી કરવા માંગ કરી છે.છેલ્લા ચાર વર્ષ થી માગણી ન સંતોષાતા સોમવારે ફરી એસઆઇએનું પ્રતિનિધિ મંડળ ગાંધીનગર ઉચ્ચ કચેરીએ રજૂઆત કરશે. નાંણામંત્રી અને પારડી ધારાસભ્ય કનુભાઇ દેસાઇ, ઉદ્યોગમંત્રી બળંવતસિંહ રાજપુત સરીગામના પ્લોટનો પ્રશ્ન ઉકેલે તે માટે ઉદ્યોગપતિઓની મીટ છે. ખાસ કરીને બળવંતસિંહ રાજપુત સરીગામ અને વાપી જીઆઇડીસી એસ્ટેટની ભૌગોલિક સ્થિતિથી વાકેફ છે. જેથી હવે આગામી સમયમાં નાણાંમંત્રી અને ઉદ્યોગમંત્રી સરીગામનો પ્રશ્ન ઉકેલશે એવું લાગી રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.