દુર્ઘટના:ભીલાડ માંડામાં માતા સાથે ખેતર ગયેલી પુત્રી પર વૃક્ષ પડતાં મોત

​​​​​​​ભીલાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડાંગરના ધરૂમાં પાણી જોવા માટે ગયા હતા

સરીગામ જીઆઇડીસી નજીક માડા પ્લાટપાડા ખાતે સોમવાર નાં રોજ બપોરે માતા સાથે ખેતરે ગયેલી 16 વર્ષીય પુત્રી પર ખજૂરીનું ઝાડ પડતાં ઘટના સ્થળ પર મોત નિપજ્યું હતું. ઉમરગામ તાલુકાનાં માડા પંચાયત વિસ્તારનાં પ્લાટ પાડા ખાતે રહેતા ગરીબ આદિવાસી પરિવારમાં પિતાની છત્રછાયા વિનાની 16 વર્ષીય પુત્રી અંજલિ બેન કિશનભાઇ ખેવરા તેની માતા ભીખીબેન તથા ભાઈ સાથે ખેતરમાં ડાંગરનાં ધરુંમાં પાણી ભરાયાં કે નહિ તે જોવા ગયા હતા.

પરત ફરી રહ્યા હતા ત્યારે પવનનાં સૂસવાટા વચ્ચે અચાનક ખજૂરીનું ઝાડ અધ વચ્ચે થી તૂટીને અંજલિ ઉપર પડતાં ગંભીર ઈજા થઇ હતી જેને સરીગામની ખાનગી હોસ્પિટલમાં લઇ જવાતા હાજર તબીબે તેને મૃત જાહેર કરી હતી. માતા અને ભાઈની નજર સમક્ષ લાડલી બહેન અંજલિનું મોતનાં સમાચાર વાયુવેગે ગામમાં ફરી વળતાં ગામમાં શોકનું મોજું ફરી વળ્યુ હતું. બનાવ અંગે ભીલાડ પોલીસમાં અકસ્માત મોત અંગે ફરિયાદ નોધાઇ છે. અચાનક જ ભારે વરસાદ અને પવન સાથે તૂટી પડેલા ઝાડ પુત્રીના માથા ઉપર જ પડતા ગંભીર ઇજાના પગલે મોત થયું હતું. ભીલાડ પોલીસે આકસ્મિક મોતની ફરિયાદ નોંધી છે.

અન્ય સમાચારો પણ છે...