તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:વાઘોડિયામાં આવેલી દેના બેંકને ટાઉન બહાર નહીં ખસેડવા વેપારીઓની માગ

વાઘોડિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વેપારીઓ અને લોક પ્રતિનિધિઓની બેઠક યોજાઈ
  • સ્થળાંતર કરાશે તો આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ

વાઘોડિયા ગ્રામજનો 45 વર્ષ જૂની દેના બેન્ક કોઈપણ સંજોગોમાં જય અંબે ચોકડી પાસેથી સ્થળાંતર માટે તૈયાર નથી. આ માટે ગામના આગેવાનોએ ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવ પાસે રજૂઆત કરી હતી. મધુભાઈએ પણ બેંક ઓફ બરોડાના રિજનલ મેનેજરને રજૂઆત કરતાં બે પ્રતિનિધિઓ વાઘોડિયા દેનાબેંક( BOB) ખાતે મોકલી આપ્યા હતા. જે બાદ સમી સાંજે ગામના વેપારીઓ અને લોક પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી. વેપારી એસોસિએશનના પ્રમુખ નિલેશભાઈ પોલા, તાલુકા સદસ્ય શાંતિલાલ રબારી, અંબાલાલ દેલવાડ અને જિલ્લા પંચાયતના સદસ્યો સહિત સામાજિક સંગઠનોએ ચર્ચા વિચારણા કરી હતી.

કોઈપણ સંજોગોમાં વાઘોડિયા ટાઉન બહાર અન્ય કોઈપણ જગ્યાએ બેંકનુ સ્થળાંતર કરવુ નહીં, અને જો કરાય તો ટાઊનમાં જ વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. જોકે બેંક ઓફ બરોડાની બીજી બ્રાન્ચ ખંધા રોડ પર આવેલ કાશીવાળા કોમ્પલેક્ષમાં છે. પરંતુ બેંક મેનેજરની દાદાગીરી અને અવ્યવસ્થાને લઈ ગ્રાહકોની રોજની માથાકુટ થતી રહે છે. આ બ્રાન્ચમાં મેનેજરના ત્રાસથી વેપારીઓ ખાતા ખોલાવા જતા નથી. અનેક ગ્રાહકોને કડવા અનુભવ થતાં ત્યાં જવાનું ટાળી રહ્યા છે. તેવુ સ્પષ્ટ ગ્રામજનોએ પ્રતિનિધિઓને જણાવ્યું હતું.

દેના બેંકમાં આશરે 25 હજારથી વધુ ખાતાધારકો છે. શાખામાં બેંક સ્ટાફ અને મેનેજર ગ્રાહકોને સંતોષ કારક જવાબ આપી સંબધો જાળવી રાખ્યા છે. સંતોષકારક કામગીરીથી ગ્રામજનો પણ ખુશ છે. અન્ય શાખામાં લોકો જવા તૈયાર નથી. બેંક ટાઉન બહાર સ્થળાંતર કરે તો તમામ ખાતાધારકો બેંકના ખાતાને કાયમી બંધ કરી દેશે તેવી ગર્ભીત ચીમકી આપી હતી. વિધવા પેન્શનરો, મહિલા બચત ખાતા, સિનિયર સિટીજનો, સ્કોલરશિપના વિદ્યાર્થીઓ, શિક્ષકો, આંગણવાડી બહેનો અને જુદા જુદા સખીમંડળોને બેંક સ્થળાંતર કરતા અનેક મુસીબતોનો સામનો કરવાનો વખત આવશે.

મોટાભાગના વેપારીઓના ખાતા આ બેંકમાં હોવાથી અન્ય જગ્યાએ નહીં ખસેડવા ગામલોકોની માગણી છે. રજૂઆત બાદ પણ બેંકને સ્થળાંતર કરાશે તો આવનાર સમયમાં ગ્રામજનો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરી વાઘોડિયા બંધ રાખવા સુધીની ચીમકી ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...