વાઘોડિયા તાલુકાના હનુમાનપુરાની આસપાસની વુડામા આવતી સોસાયટીના બિલ્ડરો દ્વારા ડ્રેનેજના પાણી જાહેર માર્ગેપર રોડની બાજુમા ખુલ્લામા છોડી મુક્તા હનુમાનપુરાનું તળાવ દુષીત થતુ હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોમા રોષ ફાટી નિકળ્યો હતો. આવા બિલ્ડરો વિરુદ્ધ તંત્ર કડક કામગીરી કરે તે માટે વડોદરા જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતીના ચેરમેનને સ્થળ પર રૂબરૂ બોલાવી પરીસ્થીતીથી વાકેફ કરાયા હતા.
બાકરોલ જુથ ગ્રામ પંચાયતમા આવતી ડ્રીમ હેવન, આશ્રય વાટીકા અને પુષ્પક એક્ઝોટીકા સોસાયટીની આશરે 2500 ઊપરાંત વસ્તીની ડ્રેનેજનું પાણી બિલ્ડરો દ્વારા રોડની બાજુમા ખુલ્લુ મુકાતા અને ઊભરાતી ગટરની સમસ્યાથી માથુ ફાળી નાંખે તેવી જાહેર માર્ગ પરથી આવતી દુર્ગંઘથી રાહદારીઓ અને ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. આ બાબતે અનેકવાર ગ્રામજનોએ વુડા તથા બિલ્ડરોને રજુઆત કરી તાકીદે ઊભરાતી ગટરોની સમસ્યા હલ કરવા જણાવ્યુ હતુ. જેના પગલે બે વાર વુડાએ અને બે વાર હનુમાનપુરા ગ્રામ પંચાયતે સોસાયટીને નોટીસ પણ બજાવી હતી. છતા બિલ્ડરના પેટનુ પાણી હાલતુ ન હતુ.
રોડ પરથી વહેતા ગટરના દૂષીત પાણી તળાવમાં મિક્ષ થતા જાહેર આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. પારાવાર ગંદકી અને દુર્ગંઘને કારણે મચ્છર અને પાણીજન્ય રોગચાળો વકરે તેવી પરીસ્થીતી બિલ્ડરોએ ઊભી કરી છે. તળાવનું પાણી ગામલોકો ઊપયોગ કરે છે. તેને પણ દુષીત કરાઈ રહ્યુ છે. રાહદારીઓને આવા પાણીમાંથી પસાર થવુ પડે છે. જેના કારણે માર્ગને પણ નુકશાન પહોંચે છે. જેથી ગ્રામજનોએ આરોગ્ય સમિતીના ચેરમેન નિલેષભાઈ પુરાણીને બોલાની ઘટતુ કરવા રજુઆત કરાઈ હતી. જેઓએ જિલ્લા આરોગ્યના ઊચ્ચ અઘિકારીને અને વુડાને જાણ કરી હતી.
જેથી આવા બિલ્ડરોને પાઠ ભણાવવા આરોગ્ય સમિતી અને ગ્રામપંચાયત દંડકીય કામગીરી અથવા તો પોલીસ ફરીયાદ કરવાની ચિમકી ઊચ્ચારી બિલ્ડરોની શાન ઠેકાણે લાવવાની વાત કરી હતી. સમગ્ર સોસાયટી બાકરોલ જુથ ગ્રામ પંચાયતની હદમા આવતી આ સોસાયટીઓના બિલ્ડરોની કરતુત અંગે બાકરોલ ગામના સરપંચને પણ જાણ કરાઈ હતી. બિલ્ડરોએ કમાણી કરવા ઊભી કરેલી સોસાયટીની અપુરતી વ્યવસ્થાને કારણે ગ્રામજનોને હાલ હાંલાંકી ભોગવવાનો વખત આવ્યો છે. આવનાર સમયમા સમસ્યા વઘુ વકરે તો આંદોલન કરવાની ગ્રામજનોએ તૈયારી બતાવી છે.
વુડાએ નોટીસ આપી હોવા છતા બિલ્ડરો કંઈ કરવા તૈયાર નથી
દુષીત પાણી બારેમાસ રોડપર વહે છે. સોસાયટીના બિલ્ડરો સાંભડતા નથી. અમારી ત્રણ ગાય આ પાણીને કારણે મરી ગઈ. વાહન ચાલકો અને રાહદારીઓ તથા કોલેજ જતા વિદ્યાર્થીઓને માથું ફાટીજાય તેવી ગંઘ સહન કરવી પડે છે. રોગચાળો વકરે તો જવાબદાર કોણ? બે વાર વુડાએ પણ સોસાયટીઓને નોટીસ આપી છે. પણ તેવો કંઈ કરવાજ તૈયાર નથી. બિલ્ડરો કમાઈ કરે છે પણ ગટરના પાણીના નિકાલ માટે આયોજન કેમ નથી કરતા. હવે સહન થાય તેમ નથી. અમે ભેગા મળી પોલીસ ફરીઆદ કરશુ. - બાથા ભરવાડ, પશુપાલક, માજી સરપંચ, બાકરોલ
જાહેર આરોગ્ય સામે ચેડા થાય તે ચલાવી લેવાશે નહિ
મારા અઘિકારીઓને, કોર્પોરેશનને અને વુડાને ગ્રામજનોની રજુઆત ધ્યાને દોરી છે. જાહેર આરોગ્ય સામે ચેડા થાય તે ચલાવી લેવાશે નહિ. આવા બિલ્ડરો સામે દાખલો બેસાડવાની જરુર છે. અઘિકારીઓ સાથે બેઠક કરી બે દિવસમા સમસ્યાના નિરાકરણ કરી આપવાની ખાત્રી આપુ છુ. - નિલેષભાઈ પુરાણી, આરોગ્ય સમિતી ચેરમેન, જિ.પં.વડોદરા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.