ચકચાર:સરકારે ભૂલકાઓ માટે આપેલા સુખડી, ઉપમાના પેકેટ કૂવામાં પધરાવાયાં

વાઘોડિયા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
કરમાલીયાપુરા આંગણવાળીના પૌષ્ટિક આહારના પેકેટો કૂવામાંથી મળ્યા. - Divya Bhaskar
કરમાલીયાપુરા આંગણવાળીના પૌષ્ટિક આહારના પેકેટો કૂવામાંથી મળ્યા.
  • કરમાલીયાપુરા આંગણવાડીના પૌષ્ટિક આહારના પેકેટ કૂવામાંથી મળ્યાં, ક્યારે અને કોણ નાંખી ગયુ તે રહસ્ય અકબંધ
  • પેકેટો પલળી જતા તેના પરની પેકિંગ ડેટ ભૂંસાઈ ગઈ હતી

વાઘોડિયા તાલુકાના કરમાલીયાપુરા ગામે આંગણવાડીમાં બાળકો, ધાત્રીમાતા, સગર્ભા બહેનો અને કિશોરીઓને અપાતો પુરક પૌષ્ટીક આહારના પેકેટો ગામના કૂવામાંથી મળતાં ચકચાર મચી ગઈ હતી. વાઘોડિયાના ICDSની કચેરીએથી પૌષ્ટીક આહાર આપવા મહિલા અને બાળ સંકલન વિભાગ દ્વારા ગામેગામ આંગણવાડી કેન્દ્રો ઊપર પહોંચાડવામાં આવે છે. ત્યારે કરમાલીયાપુરા ગામે આંગણવાડીમાં આવતો પૌષ્ટીક આહાર બારોબાર લાભાર્થીઓને આપવાના બદલે કૂવામાં પધરાવી દેતા કરમાલીયાપુરા ગામમાં ચકચાર મચી ગઈ હતી.

ગામલોકોએ કૂવામાં ઊતરી ફૂડ પકેટ કાઢી લોકોને બતાવતા હતા. સાથે જ આઈસીડીએસની કામગીરીની પોલમપોલ ખોલી હતી. જોકે ઘટનાની જાણ આઈસીડીએસ વિભાગને કરાતા તાત્કાલીક સુપરવાઈઝર કોકિલાબેન ઘટના સ્થળે મુલાકાત લેવા આવી પહોંચ્યા હતા. જોકે પેકેટો પલડી જતા તેના પર પેકિંગ ડેટ ભુસાઈ ગઈ હતી. જેના કારણે પેકેટો ક્યારે અને કોણ નાંખી ગયુ તે રહસ્ય અકબંધ રહ્યુ હતું.

જોકે ઘટના સ્થળે સુપરવાઈઝરે ગ્રામજનોને પૂછતા આંગણવાડી તરફથી કોઈ જ પૌષક કે પુરક આહાર નહિ આપતો હોવાની બુમરાણ મચતા આંગણવાડી સંચાલક સામે તપાસ કરવાની ગ્રામજનોને આઈસીડીએસના સુપર વાઈઝરે ખાત્રી આપી મામલો થાળે પડ્યો હતો.

પૌષ્ટિક આહારના વધેલા થેલાઓ ભૂલથી કૂવામાં નંખાઈ ગયા હશે
બે ત્રણ વર્ષ પહેલા આંગણવાડીનું મકાન ન હોવાથી પટેલના ઘરમા ચલાવતા હતા. આગણવાડી બદલતા પૌષ્ટીક આહારના થેલાઓ વધ્યા હતા તે ભૂલથી કૂવામા નંખાઈ ગયા હશે. મારી ભૂલ સાહેબ કબૂલ કરુ છુ. ત્યાર પછી મેં ક્યારેય કોઈ લાભાર્થીને પેકેટથી બાકી નથી રાખ્યા. હુ તપાસમાં સહકાર આપવા સુપરવાઈઝરને રજિસ્ટર બતાવવા તૈયાર છું. - આશા બહેન, કરમાલીયાપુરા આંગણવાડી, સંચાલક

મારી રૂબરૂમાં પેકેટ કૂવામાંથી ગામલોકોએ બહાર કાઢ્યા
મને જાણ થતા હું કૂવા પર આવ્યો ત્યારે ગામના કેટલાક લોકોએ મારી રૂબરુ કૂવામાંથી કાઢ્યા તે મે જોયા છે. કોણે નાંખ્યા ખબર નથી. - નગીનભાઈ મોતીભાઈ તડવી, સરપંચ, કરમાલીયાપુરા

ગામલોકોનું નિવેદન લઈ જવાબદાર સામે કાર્યવાહી કરીશું
આ પેકેટો જૂના છે. આગણવાડીએ કૂવામાં નાંખ્યા હોય કે પછી લાભાર્થીએ નાંખ્યા હોય! કંઈ કહિ શકાય નહિ. પેકેટો પ્લાસ્ટીકના કોથડામાં ભરી કૂવામાં નાંખ્યા છે. એટલે વિતરણ થયા એવુ કેમ કહેવાય? લોકોનું નિવેદન લઈ જવાબદાર સામે કાર્યવાહિ કરીશું. - કોકિલાબેન, આંગણવાડી સુપરવાઈઝર

અન્ય સમાચારો પણ છે...