વાઘોડિયા ગ્રામ પંચાયતનું વિસર્જન કરી ગામનો વધુ સારો વિકાસ થાય તે માટે ઘણા વર્ષોથી વાઘોડિયાને નગરપાલિકાનો દરજ્જો મળે તેમ સૌ કોઈ ઈચ્છી રહ્યા છે. વાઘોડિયા ટાઉનની હદ પાસેના માડોધર ગામની તમામ સોસાયટીઓ, વાઘોડિયા પોસ્ટ ઓફિસ અને ભૂલકા ભવન શાળા વાઘોડિયાને અડીને આવેલ માડોધર વિસ્તારમાં આવેલી છે. વાઘોડિયા માડોધર વચ્ચેનો આશરે એક કિમીનો માર્ગ પર બંન્ને બાજુ સોસાયટીઓથી ભરચક બન્યો છે.
દિવસેને દિવસે વસ્તી વઘતા માડોધર અને વાઘોડિયા એક થઈ ગયું છે. તેજ પ્રમાણે વાઘોડિયા તાલુકા સેવાસદન ટીંબી ગામની સીમમાં અને નવીન કોર્ટ પાછળની સોસાયટીઓ તવરા-ટીંબી સાથે ભળી એક થઈ ગઈ છે. વાઘોડિયા ગ્રામ પંચાયત હોવાના કારણે રોડ, રસ્તા, ગટર લાઈન, સ્ટ્રીટ લાઈટ અને પીવાનું પાણી વગેરે હદ વિસ્તાર એકબીજામાં ભળી જતા વહિવટી અને નિભાવણીની મોટી જવાબદારી ગ્રામ પંચાયતો માટે પડકારજન થઈ રહી છે.
વાઘોડિયા ઔદ્યોગિક એકમો ધરાવતુ મોટુ હબ છે. જ્યા અનેક મોટી કંપનીઓ અસ્તીત્વ ધરાવે છે. અનેક મોટી હોસ્પિટલો અને કોલેજો ધરાવતો વાઘોડિયા તાલુકો છેલ્લા ઘણા સમયથી નગરપાલિકા બનવા આતુર થઈ રહ્યો છે. વાઘોડિયા નગરપાલિકાને મંજૂરી મળે તો તવર-ટીંબી અને માડોધરનો વાઘોડિયામાં સમાવેશ થઈ શકે છે. વાઘોડિયા ગ્રામ પંચાયતને બદલે નગરપાલિકા બને તેવુ તાલુકાની જનતા ઈચ્છી રહી છે.
અવાર નવાર આ અંગે ઊચ્ચ અધિકારીઓ સહિત ગ્રામજનોએ વાઘોડિયાના વિકાસ અને ગામની સુખાકારી માટે ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને વારંવાર અનેક પ્રસંગોમાં રજૂઆત કરતા ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે વાઘોડિયા નગરપાલિકા માટે રાજ્ય સરકારમાં રજૂઆત કરવા વચન આપ્યું હતું. જે બાદ વાઘોડિયાની જનતાએ પોતાના ચૂંટાયેલા પ્રતિનિધિ વડો.જિ.પં.આરોગ્ય.સ.ચેરમેન નિલેષભાઈ પુરાણી, વાઘો.તા.પં.ઉ.પ્રમુખ શાંતિલાલ રબારી, વાઘો.તા. પં.સદસ્ય સંદિપભાઈ સોલંકી સહિત વાઘોડિયા વિઘાનસભાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની આગેવાનીમા ગાંધીનગર પ્રયાણ કરી પોતપોતાના લેટરપેડપર હસ્તાક્ષર કરી ના.મુ.મંત્રી નીતિનભાઈ પટેલની મુલાકાત લઈ નગરપાલિકા અંગેની લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી.
વાઘોડિયા તાલુકા સહિત તમામ ગ્રામ પંચાયતોની આગામી ચૂંટણી અંગેની બેઠકોનો પરિપત્ર પ્રકાશિત થઈ ચૂક્યો છે. ગ્રામ પંચાયતોની અવધીને હવે ગણતરીના મહિનાઓ બાકી છે ત્યારે પ્રજાએ વિશ્વાસ મુકી છેલ્લા 30 વર્ષથી ચૂંટી લાવતા ધારાસભ્ય પાસે નગરના વિકાસની પુરી અપેક્ષા હોય તે સ્વભાવીક છે. વાઘોડિયા નગરપાલિકા બને તો નગરનો સારો વિકાસ થાય. વર્ષોથી માથાનો દુખાવો બનેલ ડ્રેનેજ લાઈન, રોડ રસ્તા, આરોગ્યલક્ષી 24 કલાક સેવાઓ(સીએચસી)પ્રાથમિક શાળાઓ વગેરે કામોનો વધુ સારો વિકાસ થાય. પ્રજાને અગવડ પડે નહિ અને સારી સેવાઓ મળી રહે તેવી લોકમાગ વર્ષોથી રહી હતી. જે બાદ વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવએ ગ્રામજનો વતી સરકારમાં રજૂઆત કરતા લોકોમા આનંદની લાગણી વ્યાપી ગઈ છે.
ગતિશીલ ગુજરાત માટે ભાજપનો ગઢ મનાતા વાઘોડિયાને નગરપાલિકાનું સુકાન સોંપાય તેવી સરકાર પાસે ગ્રામજનોની અપેક્ષા છે. જે અંગે ગુજરાતના ના. મુ.મંત્રી નીતિનભાઈ પટેલ દરખાસ્તને મંજૂરી આપે તેવી લોકમાગ ઉઠી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.