વાઘોડિયાના પારસીપુરાના બૂટલેગરે નવા મકાનની વોલ ટાઈલ્સ પાછળ ભોંયરૂ બનાવી સંતાડી રાખેલો વિદેશી દારૂ વાઘોડિયા પોલીસે ઝડપી પાડ્યો છે. વાઘોડિયામાં વિદેશી દારૂની અછતના પગલે બૂટલેગરોએ સાહસ આદર્યુ છે. નિમેટા પાસેના પારસીપુરા ગામે બૂટલેગર સુનિલ ઊર્ફે ભુરીયાએ પોતાના નવા બનાવેલ મકાનમાં દીવાલ પર ટાઈલ્સો લગાડી ટાઈલ્સોની પાછળ વોલમાં ગુપ્ત દરવાજો બનાવી ભોંયરામાં વિદેશી દારૂ સંતાડવાની તરકીબ પોલીસે શોધી કાઢી હતી.
દીવાલમાં તિરાડ જેવુ જણાઈ આવતા સળિયાથી ટાઈલ્સ ખેંચતા ભોંયરુ મળી આવ્યું હતું. જેમાંથી બે કોથડા વિદેશી દારૂના પાઉચ 184 નંગ જેની કિંમત 15,456નો ઝડપી પાડ્યો હતો. પોલીસ રેડ દરમિયાન બૂટલેગર ભુરીયો ફરાર થયો હતો. જ્યારે તેનો સાગરીત જૈમીન સોલંકી નિમેટાની પોલીસે ધરપકડ કરી હતી. રાત્રે પોલીસને રેડ દરમિયાન ગુપ્ત ભોંયરુ મળતા પોલીસ ચોંકી ગઈ હતી.
પોલીસે દારૂના મુદ્દામાલ સાથેની જૈમીનની ધરપકડ કરી હતી. જ્યારે સુનિલ ઊર્ફે ભુરીયાને ફરાર જાહેર કર્યો છે. હાલ દારૂબંઘીનો ચુસ્ત અમલ કરવા જિલ્લા વહિવટી તંત્ર સજ્જ બન્યુ છે. ત્યારે વિદેશી દારૂને ઊંચી કિંમત શોખીનો પાસેથી વસૂલી બૂટલેગરો રાતોરાત અમીર બનવાના સ્વપ્નામા અવનવી તરકીબ અજમાવી જુએ છે. પરંતુ પોલીસની બાજ નજર સામે બૂટલેગરોની પોલ ખુલી જાય છેઅને જેલમાં જવાનો વખત આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.