સામૂહિક કૌભાંડ:વડોદરાના વાઘોડિયાની 50 ગ્રામ પંચાયતના 28 તલાટીનું 71 લાખનું કૌભાંડ!

વાઘોડિયા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કૌભાંડી તલાટીઓની ધરપકડ કરવાની માગ સાથે લોકોમાં રોષ
  • તપાસમાં એક સરખા, એક જ તારીખના અને એક જ એજન્સીના બિલો મળ્યાં

વાઘોડિયા તાલુકા પંચાયતમાં ગેરરીતિ આચરનાર તલાટી કમ મંત્રીઓ પર રોષનો જ્વાળામુખી ફાટ્યો છે. યુવાઓ, સરપંચો, વેપારીઓ અને મહિલાઓ સાથે આશરે 200 ઉપરાંતના ટોળાએ અહીંના ટીડીઓને સમર્થન કરતા સૂત્રોચ્ચારો સાથે એકસૂરમાં 50 ગ્રામપંચાયતના 28 તલાટીઓ સામે આ ગેરરીતિની તટસ્થ તપાસ થાય તેવી માગ કરી છે. ઉલ્લેખનીય છે કે કોરોનાકાળમાં આ તલાટીઓએ સેનિટાઇઝર, હેન્ડગ્લોવ્ઝ સહિત અનેક કૌભાંડ આચરી 71.85 લાખની ગેરરીતિ કરી હતી.

એક તરફ લોકો કોરોનામાં સરકારની મદદ માટે વલખાં મારી રહ્યા હતા તો, બીજી તરફ સ્મશાનમાં લાકડા કૌભાંડ, સેનિટાઈઝર કૌભાંડ, હેન્ડગ્લોઝ અને સેનિટાઈશન કિટ કૌભાંડો કરી વાઘોડિયાના તલાટી કમ મંત્રીઓ સરકારની આંખમાં ધૂળ નાંખી કૌભાંડો આચરી રહ્યા હતા. દેશમાં આવી પડેલ વિપત્તિ વેળાએ આંસુ લૂંછવાના બદલે તાલુકાની ગ્રામ પંચાયતોમાંથી મસમોટી રકમના ચેકો નિધી એન્ટરપ્રાઈઝ અને રોયલ એન્ટરપ્રાઈઝ નામની બોગસ એજન્સી દર્શાવી જાંબુવાડા, કરમાલીયા અને અંટોલી ગ્રામ પંચાયતોની 21. 85 લાખની ઉચાપત કરી સરપંચોને રોજમેળ નહિ બતાવી કૌભાંડ કરનાર તલાટી કમમંત્રી અભિષેક મહેતાએ ગેરરીતિ આચરી હતી.

TDO કાજલબેને અન્ય પંચાયતોની ચકાસણી કરતા એક પછી એક એમ 50 ગ્રામ પંચાયતોમાં એક સરખા, એક જ તારીખના અને એક જ એજન્સીના બિલો મળી આવતાં તેમાં દર્શાવેલ સરનામે તપાસ કરતાં આવી કોઈ એજન્સીનું અસ્તિત્વ ના હોવાનું સામે આવ્યું હતું. સાથે જ નિધી અને રોયલ એજન્સીએ તલાટી કમ મંત્રી અભિષેક મહેતાની બોગસ ઊભી કરેલી એજન્સી હોવાનું પુરવાર થયું હતું. આથી 16 દિવસ બાદ વાઘોડિયા પોલીસે ધરપકડ કરી હતી.

50 ગ્રામ પંચાયતોના 28 તલાટીઓનો 71.85 લાખનો ગેરરીતિનો મામલો સામે આવતાં વાઘોડિયા તાલુકાની જનતામાં આ કૌભાંડી તલાટી કમ મંત્રીઓ પર રોષ ફાટી નીકળ્યો છે. પોતાની જ ગ્રામ પંચાયતોની ગ્રાન્ટોમાં ગેરરીતિ કરી બારોબાર ચાંઉ કરી સરપંચો સાથે જ નહિ ગામની અને તાલુકાની અને આ ભાજપ સરકારને છેતરવાનો તેમણે પ્રયાસ કરતાં જુદી જુદી પંચાયતોના સરપંચો, વેપારીઓ સહિત 200થી ‌વધુના ટોળાએ ‘કાજલબેન તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ’ના સૂત્રોચ્ચાર સાથે આ ગેરરીતિની તટસ્થ તપાસ થાય તથા દોષિતોની બદલી નહીં, પરંતુ ફરજ મોકૂફી કરી કાયદેસરની સજા કરાય તેવી માગ કરી હતી. તેમજ ટીડીઓની બદલી કરાશે તો આંદોલન કરવાની તૈયારી દર્શાવી હતી.

તલાટી કમ મંત્રીઓએ લગાવેલ આક્ષેપો પાયાવિહોણા
તલાટી કમ મંત્રીઓએ લગાવેલ માનસિક ત્રાસના આક્ષેપો પાયાવિહોણા છે. તેઓ પાસે ખુલાસો માગતાં આ ગેરરીતિ બાબતે ખુલાસો આપી શકેલ નથી. ઉપરાંત ચાલુ મીટિંગે શિસ્તભંગ કરી એક સાથે તમામ તલાટીઓ જતા રહ્યા હતા. આ પહેલા મૌખિક રજૂઆતમાં અગાઉના ટીડીઓ પર ગંભીર આક્ષેપો લગાવી તલાટીઓએ તેઓના કહેવાથી નિધી અને રોયલ એજન્સીમાં ચેકો જમા કરાવ્યા હતા. તેઓ અમારા અધિકારી હતા એટલે તેમણે કીધું એમ અમે કર્યુ પરંતુ શંકા એ છે કે તેઓ સંપીને આવેદનપત્ર આપવા એક થાય તો, ગેરરીતિ રોકવા પણ એક થવું જોઈતું હતું. જે થયુ નથી. સૌએ ભેગા મળી આયોજનપૂર્વક રચેલુ આ કૌભાંડ હોય તેવું લાગી રહ્યુ છે. - કાજલબેન આંબલિયા, તાલુકા વિકાસ અધિકારી

કોઈ પણ અધિકારી કે કર્મચારીને છોડાશે નહીં
તલાટી કમ મંત્રીઓએ કોરોના કાળમાં સેનિટાઈઝરનો છંટકાવ કરી ગ્રામ પંચાયતોમાંથી સરપંચો પાસેથી ચેકો લઈ બોગસ (ખોટા) બિલો રજૂ કરી કૌભાંડ આચર્યુ છે. તેની તપાસ થવી જોઈએ, કોઈ પણ અધિકારી કે કર્મચારીને છોડાશે નહી. સીધા સસ્પેન્ડ કરી દેવાશે. - મધુ શ્રીવાસ્તવ, ધારાસભ્ય, વાઘોડિયા વિધાનસભા

TDOની બદલી કરાશે તો અમે ભૂખ હડતાળ પર બેસીશું
અમે ગરીબ છીએ, અમારી શાકભાજીના લારી-ગલ્લા દબાણમાં આવતા અમે હટાવી વાઘોડિયાના વિકાસમાં સહભાગી બન્યા. અમને કોઈ દુ:ખ નથી. TDO બહેને અમારા જેવી ગરીબ મહિલાઓ માટે કામના સાધનો ઊભા કરાવી ઘરે બેઠા 300 રૂપિયાની મજૂરી મળે તેવા કામો કર્યા છે. જો બેનની બદલી કરાશે તો અમે ભૂખ હડતાળ પર બેસીશું. - હિના મન્સુરી, વેપારી

ખોટા આક્ષેપો મૂકી છૂટવા માગે છે
વાઘોડિયાના ઈતિહાસમા 30 વર્ષથી આવા કોઈ ઈમાનદાર અને કર્તવ્યનિષ્ઠ અધિકારી નથી આવ્યા. અમારું જે કામ વર્ષોમાં ના બન્યું તે અધિકારી કાજલબેન આંબલિયાએ 3 મહિનામાં કરી બતાવ્યું છે. તેમના હાથે અમારો તાલુકો વિકાસ પામે તેવુ ઈચ્છીએ છીએ. આશરે 40 હજાર જેટલી સહીઓ કરી તાલુકા વિકાસ અધિકારીની બદલી ના થાય તેવા પ્રયત્નો કરીએ છીએ. ગામે ગામથી બસો ભરી ગાંધીનગર જવાની તૈયારી દર્શાવીએ છીએ. તલાટીઓને વિકાસના કામો કરવા નથી અને ખોટા આક્ષેપ મુકી ગેરરીતિથી છૂટવા માગે છે. - તેશભાઈ પટેલ, ગ્રામજન

અન્ય સમાચારો પણ છે...