હોદા પરથી દૂર કર્યા:રાજપુરા ગ્રા. પં.ના સરપંચ હોદ્દા પરથી ફરજ મોકૂફ

વાઘોડિયા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચૂંટણી અદાવતે માજી સરપંચના પરિવાર પર હુમલો કરતાં જેલ થઇ હતી
  • કોર્ટનો ચુકાદો ના આવે અને સરપંચની મુદત પૂરી ન થાય ત્યાં સુધીDDOએ ફરજ પરથી દૂર કર્યા

વાઘોડિયાના રાજપુરા ગામના સરપંચ કૌશિકકુમાર જશવંતસિંહ ચૌહાણને સરપંચ પરના હોદ્દાથી પત્ર પાઠવી દૂર કરાયા છે. સરપંચ કૌશિકકુમારને ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 59 (1) મુજબ વડોદરા જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર રાજેન્દ્ર પટેલે હોદા પરથી દૂર કર્યા છે.

રાજપુરા ગામે ચૂંટણી અદાવત રાખીને માજી સરપંચના પરિવાર સાથે તકરાર કરી આવેશમાં આવી સરપંચ કૌશિકકુમારે ફરિયાદી હિતેન્દ્રસિંહ ઉમરસિંહ પર તલવારથી હુમલો કરી કપાળ તથા માથાના ભાગે જીવલેણ ઈજા પહોંચાડી હતી.

આ તકરારમાં વચ્ચે છોડાવવા પડતા હિતેન્દ્રસિંહના પત્ની સહિત અન્ય લોકોને પણ સરપંચ કૌશિકકુમારે માર માર્યો હતો. જે બાદ પૂર્વ સરપંચના ભાઈ હિતેન્દ્રસિંહે 3 માર્ચ 2022ના રોજ વાઘોડિયા પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે કલમ 307, 324, 427 , 504 , 506 (2) તથા 144 મુજબ ગુનો નોંધી તપાસ કરતાં સરપંચ કૌશિક ચૌહાણ ફરાર થતાં પોલીસે તેની સામે લાગેલા આક્ષેપ બદલ 30 માર્ચ 2022 ના રોજ ધરપકડ કરી હતી. જે બાદ કૌશિક ચૌહાણને 73 દિવસ જેલમાં વિતાવ્યા હતા. કૌશિક ચૌહાણે ગુજરાત હાઇકોર્ટમાં જામીન માટે અરજી કરતાં સાવલી સેશન્સ કોર્ટે 1 લાખ ડિપોઝિટ પેટે ભરી શરતી જામીન પર 10 જૂન 2022ના રોજ મુક્ત કર્યા હતા.

વડોદરા જિલ્લા વિકાસ અધિકારીને સરપંચ કૌશિકકુમાર સામે દાખલ થયેલ ફરિયાદની સમગ્ર હકીકત સંપૂર્ણપણે ઉજાગર હોઇ તથા લાંબા સમય સુધી પોલીસ કસ્ટડી થયેલ હોઇ અને સરપંચ વિરુદ્ધ પોલીસ તપાસની તમામ માહિતી કોર્ટમાં ચાર્ટશીટ દાખલ કરેલ હોઇ ઉપરાંત ફરિયાદીને જાનથી મારી નાખવાની કોશિશ કરી ગંભીર ઈજા પહોંચાડવાનો ગુનો આચરેલ હોઇ DDOએ ગુજરાત પંચાયત અધિનિયમ 1993 કલમ 59(1) હેઠળ પોતાની સત્તાની રૂએ કૌશિક ચૌહાણને કોર્ટનો ચુકાદો ના આવે ત્યાં સુધી અથવા તો સરપંચની ગ્રામ પંચાયતની સમયમર્યાદા પૂર્ણ ના થાય ત્યાં સુઘી કસૂરવાર સરપંચને હોદ્દા પરથી ફરજ મોકૂફ કરતો પત્ર TDO મારફતે પાઠવી સરપંચના હોદ્દા પરથી દૂર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...