વાઘોડિયા ગ્રામ્ય વિસ્તારને જોડતા એપ્રોચ રોડ બનાવવાની હાલ તાલુકામાં કામગીરી ચાલી રહી છે, ત્યારે માર્ગમકાન વિભાગના અઘિકારીઓ ચેમ્બર્સ નહિ છોડતાં આવી એજન્સીઓના કોન્ટ્રાક્ટર તકલાદી કામગીરી કરતાં રોડ બનતા પૂર્વે જ તૂટી જાય છે. આવા રોડનું આયુષ્ય હોતું નથી, ત્યારે વાઘોડિયા તાલુકામા JDKS ઈન્ફાસ્ટ્રક્ચરના ગુતાલ અભેસર, ભાવનગર લિલોરા અને ભણીયારા અમરેશ્વરપુરા રોડ હાલમાં જ બનાવાયો છે. પરંતુ ગુણવત્તા જળવાઈ નથી. એ જ પ્રમાણે શૌરભ બિલ્ડર અમદાવાદે ખંધા નવા આજવા રોડ શરૂ કર્યો છે.
આ એજન્સીનો કોન્ટ્રાક્ટરે તો માટી પર જ ડામરનુ લેયર પાથરી રોડ બનાવવાની હિંમત કરી અને કામ શરૂ કર્યુ. જેની જાણ ખંધા અને આજવાના ગ્રામજનોને થતાં કામગીરી અટકાવી હતી. આ કામગીરીની સત્યતા ચકાસવા વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા પહોંચી જતાં ગ્રામજનોએ ડામર રોડના પોપડા ઊખેડી નીચેની માટી બતાવતાં વાઘેલાએ તાત્કાલિક વાઘોડિયા ડે. એન્જિનિયર ( મા× મકાન) વિભાગના અધિકારીનો સંપર્ક કરી સ્થળ પરિસ્થિતી તપાસવા આદેશ આપ્યો હતો. આજ સુઘી અનેક રોડમાં કોન્ટ્રાક્ટરોએ મનમાની કરી અને ગુણવત્તા વિહીન રોડ પ્રજાના માથે માર્યા છે. પરંતુ હવે નહિ ચાલે તેવી ચીમકી વાઘેલાએ આપી હતી.
મહત્વની બાબત છે કે એકવાર રોડ બનાવ્યા બાદ ફરીથી રોડ બનતો નથી અને હલકી ગુણવત્તાવાળો રોડ ટકતો નથી. જેથી તાલુકાની જનતાને વેઠવાનો વખત આવે છે. ત્યારે માટી પર ડામરિંગ કરનાર કોન્ટ્રાક્ટર સામે શું પગલા ભરાશે તેનો રિપોર્ટ પણ ધારાસભ્યે માંગ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.