દુર્ઘટના:વાઘોડિયાના નવગામ અને આસોજ ગામે માર્ગ અકસ્માતમાં 2ના મોત

વાઘોડિયા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દીકરીના ઘરેથી બાઇક પર પરત ફરતા પિતાનું અકસ્માતમાં મોત
  • આસોજ પાસે વડોદરા જતા 2 બાઇકસવાર પૈકી 1નું મોત

વાઘોડિયા તાલુકાના નવગામ અને આસોજ ગામમાં માર્ગ અકસ્માતના અલગ અલગ બે બનાવમાં બે વ્યક્તિના મોત નિપજ્યા હતા.આ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વાઘોડિયાના ગુતાલ વસાહતમાં રહેતા રાધેશ્યામ મોતીસિંહ માનકર(58) પોતાની બાઈક લઈ દીકરીના ઘરે ટુવાગામેથી કામ પતાવી પરત ફરતા હતા. ત્યારે નવગામ પાસે નર્મદા કેનાલના રોડ ઉપર સામેથી આવતી એક હીરો કંપનીની સ્પેલેન્ડર બાઇકના ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી આવી સામેથી અથાડી એક્સિડન્ટ કર્યો હતો.

આથી રાધેશ્યામને કપાળના ભાગે તથા શરીરના ભાગે ગંભીર ઇજા થતાં તેમનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જયારે અકસ્માત સર્જનારને નાનીમોટી ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડ્યા હતા. સાંજે પોણા છ વાગે થયેલ અકસ્માતના પગલે નર્મદા કેનાલ રોડપર આસપાસના લોકોની ભીડ જામી હતી. તો બીજા બનાવમા ૩૦ એપ્રિલના રોજ દિનેશ મુકેશભાઇ ભુરીયા (16) હે. લીમખેડા, જિ. દાહોદ હાલોલથી આશરે બપોરે પોણા બે વાગ્યાના સુમારે વડોદરા જવા માટે નીકળ્યા હતા. ત્યારે દિનેશ બાઈક ચલાવતો હતો અને વિપુલ ભુરીયો પોતાના ભત્રીજાની બાઈક પાછળ બેઠો હતો.

હાલોલ-વડોદરા રોડ પર આવેલ નર્મદા મેઇન કેનાલ પસાર કરી વડોદરા તરફ જતા આસોજ ગામની સીમમાં આવેલ રિલાયન્સ કંપની નજીક પહોંચતાં દિનેશે બાઈકના સ્ટિયરિંગ ઉપરનો કાબુ ગુમાવી દેતાં બાઇક સ્લીપ ખાઇ ગઇ હતી. આથી બંને જણ સર્વિસ રોડના ડીવાઇડર પર ફેંકાઇ જતાં વિપુલને બંને હાથ પર તથા પગે તેમજ મોઢાના ભાગે ઇજાઓ થઈ હતી.

જ્યારે દિનેશને માથાના પાછળના ભાગે તથા પીઠના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતાં રેફરલ હોસ્પીટલ જરોદ ખાતે પ્રાથમિક સારવાર આપી હતી. બંનેને વધુ સારવાર માટે વડોદરા એસ.એસ.જીમાં લઈ ગયા હતા. જોકે દિનેશને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચવાથી વધુ સારવાર માટે અમદાવાદ સીવિલમાં રીફર કરતાં સારવાર દરમિયાન ગત 4 મે ના રોજ સાંજના સાડા છ વાગે તેનું મોત થયું હતું. વાઘોડિયા પોલીસે ફરીયાદ નોંઘી વઘુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...