શિનોર તાલુકાના અવાખલ ગામે એન.આર.આઈ. પરિવાર દ્વારા લકુલેશ્વર મહાદેવ મંદિરમાં આજથી વિષ્ણુ મહાયજ્ઞનો પ્રારંભ થયો છે. અવાખલ ગામે તાજેતરમાં મહારુદ્ર યજ્ઞ સંપન્ન થયા પછી આજરોજ લકુલેશ ધામમાં વિષ્ણુ મહાયજ્ઞનો પ્રારંભ થયેલો છે. આચાર્ય વિરાટજી મહારાજ ચિત્રકૂટ ધામ દ્વારા 9 યજ્ઞ કુંડ બનાવી યજ્ઞનો પ્રારંભ કર્યો છે. અવાખલના વતની એન.આર.આઇ ઠાકોરભાઈ પટેલ તથા પરિવાર દ્વારા તારીખ 3થી 9 સુધી આ યજ્ઞનું આયોજન કરાયું છે. મહારુદ્ર યજ્ઞમાં 5 યજ્ઞ કુંડ હતા. જ્યારે આજે વિષ્ણુ મહાયજ્ઞમાં 9 યજ્ઞ કુંડ બનાવવામાં આવ્યા છે.
આગામી તારીખ 05 માર્ચ-2022ના રોજ અખિલ ભારતીય સંત સમિતિના કોષાધ્યક્ષ મહામંડલેશ્વર જનાર્દન હરીજી મહારાજ ફૈઝપૂર, (મહારાષ્ટ્ર) આહુતિ તથા આશીર્વાદ આપવા સવારના 10 કલાકે પધારનાર છે. દરેક ભક્તજનોને દર્શન શ્રવણ તથા આશીર્વાદનો લાભ લેવા આમંત્રણ અપાયું છે. અવાખલનું આ લકુલેશ્વર મહાદેવનુ મંદિર યાત્રાધામની સમકક્ષ બનેલું છે.
આચાર્ય વિરાટજીમહારાજ દ્વારા સંગીતમય શૈલીમાં વિષ્ણુ મહાયજ્ઞનું માહાત્મ્ય સમજાવી રહ્યા છે અને ભક્તો તેમના માર્ગદર્શન હેઠળ સતત આહુતિઓ હોમી રહ્યા છે. ચારે વેદોના સાનિધ્યમાં વિષ્ણુ મહાયજ્ઞનું કામ ભક્તિ ભાવપૂર્વક થઈ રહ્યું છે. ભક્તોમાં અનેરો આનંદ ઉત્સાહ દેખાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.