શિનોર તાલુકાના સુપ્રસિદ્ધ તીર્થસ્થાન અનસૂયાજીના મંદિરે ચૈત્રી પૂનમના મેળામાં આવેલ સીમળી વસાહતના એક આધેડ નર્મદા નદીમાં નહાવા ગયા હતા. તે દરમિયાન પાણીના વહેણમાં તણાઈ જઇ નદીમાં ડૂબી જતાં રવિવારે આધેડનો મૃતદેહ કંજેઠા ગામની નર્મદા નદીમાંથી મળી આવ્યો છે. 16 એપ્રિલે ચૈત્રી પૂનમના દિવસે સુપ્રસિદ્ધ અનસુયામાંતાજીના મંદિરે મેળો ભરાયો હતો.
જ્યાં શિનોર તાલુકાના સીમળી ગામની વસાહતના વસાવા રમેશભાઈ ઝીણાભાઈનો પરિવાર પણ અનસૂયાજીના દર્શન માટે આવ્યા હતા. તેઓ બપોરે 12:30 વાગ્યાના અરસામાં મંદિરની પાછળના ભાગે નર્મદા નદીમાં સ્નાન કરવા ગયા હતા. નર્મદા નદીના ધસમસતા પાણીમાં રમેશભાઈ તણાઈ જઇ લાપતા થયા હતા. સ્થાનિક તરવૈયા દ્વારા તેમની શોધખોળ નર્મદા નદીમાં કરવા છતાય તે મળી આવ્યા નહોતા.
પોલીસ દ્વારા રવિવારે ઇ.આર.સી. દરજીપુરા ફાયરબ્રિગેડની ટિમ બોલાવી સવારથી નદીમાં તેમની શોધખોળ આદરી હતી. ભારે જાહેમતબાદ બપોરે 3 વાગ્યાના સુમળે તેમનો મૃતદેહ અનસૂયા નજીક આવેલ કંજેઠા ગામની સીમમાં નર્મદા કિનારા પાસેથી મળી આવેલ છે. શિનોર પોલીસ દ્વારા કાયદેસર કરી તેમના મૃતદેહને મોટાફોફળિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઇ જઇ પી.એમ. કરાવી તેમનો મૃતદેહ તેમના પરિવારને સોંપેલ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.