તંત્ર નિદ્રાંધિન:શિનોર તાલુકામાં ઓક્સિજન પ્લાન્ટ ઉભો કરાયો પણ શોભાના ગાંઠિયારૂપ

શિનોરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સમક્ષ રજૂઆત કરતા તાલુકાના અગ્રણીઓ સચિન પટેલ, વિકાસ પટેલ અને અશોક પટેલ તસવીરમાં જણાય છે - Divya Bhaskar
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સમક્ષ રજૂઆત કરતા તાલુકાના અગ્રણીઓ સચિન પટેલ, વિકાસ પટેલ અને અશોક પટેલ તસવીરમાં જણાય છે
  • મોટા ફોફળીયા સી.એ.પટેલ હોસ્પિટલ અને CHCમાં લોકોર્પણની રાહ જોતો પ્લાન્ટ
  • ધારાસભ્યની ગ્રાન્ટમાંથી તૈયાર થયેલો પ્લાન્ટ ચાલુ થયા વગર બિલ ચૂકવાયું હોવાની ચર્ચા

શિનોર તાલુકાના મોટા ફોફળીયા સી.એ.પટેલ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં જિલ્લા પંચાયત દ્વારા યોજાયેલ આરોગ્ય મેળામાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સમક્ષ તથા જિલ્લા પંચાયત પ્રમુખ અશોક પટેલની હાજરીમાં તાલુકા પંચાયત પ્રમુખ સચીન પટેલ તથા જિલ્લા પંચાયત સદસ્ય ભાવના પટેલના પતિ અને બીથલી ગ્રામ પંચાયતના સરપંચ વિકાસ પટેલ દ્વારા ઓક્સિજન પ્લાન્ટ હજુ ચાલુ કેમ કરાયો નથી અને તેનું લોકાર્પણ કેમ કરાતું નથી તે બાબતે ભારે રજૂઆત કરાઇ હતી.

તસવીરમાં ઓક્સિજન પ્લાન્ટ હાલમાં બંધ હાલતમાં જણાઈ આવે છે.
તસવીરમાં ઓક્સિજન પ્લાન્ટ હાલમાં બંધ હાલતમાં જણાઈ આવે છે.

એક તબક્કે આ ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત થયેલ છે કે કેમ તેની તપાસ કર્યા વગર પેમેન્ટ કરાયું છે કે કેમ તેની પણ તપાસની માગ કરી હતી. અને પેમેન્ટ કરાયું હોય તો તે માટે કોણ જવાબદાર છે તેની પણ જાણકારી માગી હતી. સોમવારે આ તમામ આગેવાનોની હાજરીમાં ઓક્સિજન પ્લાન્ટની ચકાસણી કરાઇ હતી. જે બંધ હાલતમાં હતો અને કાર્યરત નહોતો એ હકીકત બહાર આવી હતી.

કોરોના સમયમાં શિનોર તાલુકામાં ઓક્સિજન ના મળવાના કારણે 40 ઉપરાંત લોકોનું મૃત્યુ થયું હતું. તેની ગંભીરતા સમજીને ધારાસભ્ય અક્ષય પટેલ દ્વારા જિલ્લા કલેક્ટરમાં પોતાની ગ્રાન્ટમાંથી રૂપિયા 25 લાખ મોટા ફોફળિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ઓક્સિજન પ્લાન્ટ માટે ફાળવવાની ભલામણ કરી હતી. પરંતુ શિનોર તાલુકામાં અત્યાર સુધી આ પ્લાન્ટ ચાલુ થઈ શક્યો નથી એ તાલુકાની જનતાની અને નેતાઓની કરુણતા છે.

જ્યારે આ જ એજન્સીનો પ્લાન્ટ કરજણ મુકામે સી.એચ.સી.માં ચાલુ હોવાનું જાણવા મળેલ છે તો તેમાં પણ પૂરતી પ્યોરિટી આવે છે કે કેમ તે તપાસવું અતિ જરૂરી બનેલ છે. કારણકે પૂરતી પ્યોરિટી ના હોવાથી દર્દીઓનું મૃત્યુ થવાની પણ સંભાવના વધી જાય છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર યુ.વી.ટીલાવતે એજન્સીને સ્થળ પરથી ફોન કરીને આ પ્લાન્ટ ચાલુ કરવા બાબતે તાકીદ કરેલ છે અને મંગળવારે રૂબરૂમાં આ પ્લાન્ટની કામગીરી તપાસ કરીને લોકાર્પણનો કાર્યક્રમ જાહેર કરવાની તૈયારી રાખેલ છે.

હાલમાં રૂપિયા 25 લાખનો ઓક્સિજન પ્લાન્ટ મોટા ફોફળીયા સી.એ.પટેલ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં માત્ર શોભાનો ગાંઠીયો થઈને ઉભો છે. જે ગ્રાન્ટ ફાળવનાર ધારાસભ્ય માટે તથા તાલુકા અને જિલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ માટે શરમજનક છે. ધારાસભ્ય અક્ષય પટેલ દ્વારા કરજણ સી.એચ.સી.માં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની હાજરીમાં કરજણના ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ આશરે ત્રણ માસ પહેલા કર્યું હતું. પરંતુ શિનોર તાલુકામાં આજ દિન સુધી આ લોકાર્પણ કેમ કરાતું નથી તે ચર્ચાનો વિષય બન્યો છે.

અન્ય સમાચારો પણ છે...