ચોરી:દિવેર ગામે નદીના પટ પર ગાડીના કાચ તોડી અઢી લાખથી વધુની ચોરી

શિનોરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
કારમાં થયેલી ચોરી અંગે તપાસ કરતી પોલીસ. - Divya Bhaskar
કારમાં થયેલી ચોરી અંગે તપાસ કરતી પોલીસ.
  • સહેલાણીઓ નહાવાની મજા માણતા હતા ને તસ્કરોએ ખેલ પાડ્યો
  • ગાડીમાં રહેલા મોબાઈલ, સોનાના ઘરેણાં અને રોકડ ચોરી શખ્સો ફરાર

શિનોર તાલુકાના દિવેર ગામે નર્મદા નદીના ઠંડા પાણીના રમણીય પટમાં ઉનાળાની ગરમીમાં રાહત મેળવવા રવિવારે આવેલા સહેલાણીઓએ પોતાની ગાડીમાં મોબાઈલ, સોનાના ઘરેણા, અને રોકડ નાણાં સહિતના પાકીટ મૂકી ગાડીને લોક કરી નહાવાની મોજ માણતા હતા. ત્યારે નદીના પટમાં પોલીસ બંદોબસ્ત હોવા છતાં કોઈ હરામખોરોએ મોકાનો લાભ લઇ ગાડીના કાચ તોડી આશરે 250000 કરતાં વધુ કિંમતની રકમના સોનાના દાગીના મોબાઇલ અને રોકડ રકમ ચોરી ગયાની ફરિયાદ શિનોર પોલીસ સ્ટેશનમાં નોંધાવતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

મળેલી માહિતી મુજબ શિનોર તાલુકાના દિવેર ગામે આવેલ નર્મદા નદીના રમણીય પટમાં સહેલાણીઓ દૂર દૂરથી રજાઓમાં નહાવા અને મોજ-મસ્તી કરવા આવે છે. ગઈકાલે રવિવારની રજા હોઇ ગાડીઓ લઈ સહેલાણીઓ ઉમટી પડ્યા હતા અને પોતાની ચીજ વસ્તુઓ, મોબાઈલો, પાકીટો ગાડીમાં મૂકીને ગાડીને લોક કરી નદીમાં નહાવા ગયા હતા. જગદીશભાઈ સોલંકી તેમના ફેમિલી તથા તેમના મોટાભાઈ હિતેશભાઈ સોલંકી મારુતિ કાર લઈને રવિવારે સવારે 10:30 કલાકે નદીના ભાઠામાં ગાડી પાર્ક કરી નહાવા ગયા હતા.

તેમની સાથે હિતેશભાઈ પ્રજાપતિ પણ પોતાની મારુતિ કાર તેઓની બાજુમાં પાર્ક કરીને કુટુંબીઓ સાથે નદીમાં નહાવા ગયા હતા. નાહીને જ્યારે તેઓ બપોર પછી ગાડી પાસે પાછા આવ્યા ત્યારે હિતેશ સોલંકીની ગાડીની બારીનો કાચ તોડીને કોઈ હરામખોરો ગાડીમાં મુકેલ લેડીઝ પર્સ, મોબાઇલ ફોન, રોકડા રૂપિયા, સોનાની બુટ્ટીની સેર, નાકમાં પહેરવાના સોનાના દાણા મળીને રૂપિયા 43,000ની ચોરી કરી ગયા હતા.

જ્યારે હિતેશ પ્રજાપતિની ગાડીના કાચ તોડીને પણ તસ્કરો ત્રણ બેગો, લેડીઝ પર્સમાં મૂકેલ સોનાની બુટ્ટી, કાનની સેર, રિયલ ડાયમંડ મંગળસૂત્ર, ચાંદીનો જુડો, મોબાઇલ ફોન, હેર સેટ કરવાના 5 મશીન તથા રોકડા રૂપિયા 500 મળીને રૂપિયા 2,07,500નીચોરી કરી ગયા હતા. આમ ફરિયાદી જેન્તીભાઈ સોલંકી તલાટી કમ મંત્રી હાલ રહેવાસી ટીંબરવા દ્વારા રૂા. 2,50,500ની ચોરીની ફરિયાદ શિનોર પોલીસ સ્ટેશને નોંધાવાઇ હતી. પી.એસ.આઇ વી.એસ ગાવીત આની તપાસ કરી રહ્યા છે.

દિવેર મુકામે આ નદીના ભાઠામાં અગાઉ પણ ગાડીઓના કાચ તોડીને ચોરી થયાના બનાવો બન્યા છે અને હાલમાં પણ પોલીસ તથા જીઆરડીનો બંદોબસ્ત હોવા છતાં ચોરી કરનાર ગેંગ મોકાનો ફાયદો લઈ ગાડીના કાચ તોડી ચોરી કરીને બહારથી આવતા લોકોને જાણે ચેતવણી આપી રહ્યા છે. શિનોર પોલીસ રજાઓના દિવસે બંદોબસ્ત વધારે તેવી લોકમાંગ છે.

અન્ય સમાચારો પણ છે...