તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડૂતોમાં ફફડાટ:શિનોરમાં દીપડાએ ખેતરના સેઢાં પર બાંધેલી વાછરડીનું મારણ કર્યું

શિનોર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વનવિભાગ દીપડાને પાંજરે પૂરે તેવી ખેડૂતો અને મજૂરોની માગ

શિનોર - સુરાશામળ માર્ગ પર આવેલ કેનાલના નાળા પાસે અનિલ શનુભાઈ પટેલનું ખેતર આવેલ છે. આ ખેતરમાં ખેતી કામ કરવા મજૂરો રહે છે. તેમજ તેમના પશુઓને પણ ત્યાં જ રાખે છે. બુધવારે રાતે પશુઓને સેઢાં ઉપર બાંધેલા અને મજૂરો ખેતરમાં આવેલ ઓરડીની પાછળ ખાટલા પર સૂઈ ગયા હતા. સવારે ઉઠીને જોતાં સેઢાં પર બાંધેલી ગાયની વાછરડી નીચે પડેલી હતી.

વાછરડીને પેટના ભાગે ઈજાઓ જણાતાં કોઇ વન્ય હિંસક પ્રાણીએ ફાડી નાખી તેનું મારણ કરાયાનું અનુમાન કર્યું હતું. આ વિસ્તારમાં દીપડો ફરતો હોવાની મજૂરોને ખબર હોઇ તેમણે આસપાસની જમીન પર જોતાં દીપડા કે વાઘના હોય તેવા મોટા પગના પંજાના નિશાન જોવા મળતાં વાછરડીનું મારણ આ હિંસક પ્રાણીએ કર્યુ હોવાનું માલૂમ પડેલ છે.

શિનોરની આસપાસના ગામોના નર્મદા નદીના કોતરોમાં દીપડા અવારનવાર જોવા મળે છે. આથી દીપડાએ જ પાલતું વાછરડીનું મારણ કર્યું હોવાનું જણાતાં ખેતરોમાં જતાં લોકોમાં ફફડાટ જોવા મળ્યો છે. વન વિભાગ આ ઘટનાને ગંભીરતાથી લઈ સત્વરે દીપડાને પકડવાની કાર્યવાહી કરે તેવી લોક માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...