વડોદરા નજીક શિનોર તાલુકાના અવાખલ ગામના રોડ પરથી પસાર થતા લોકો ‘ગુલાબ’, ફાર્મ હાઉસ અને નર્સરી જોઈને આકર્ષિત થાય છે. રસ્તા પરથી પસાર થતા એક વિશાળ ગ્રીન હાઉસ ડોમ દેખાય છે જે ગ્રામીણ વિસ્તારોમાં કૃષિ ટેકનોલોજીના સફળ વિનિયોગની પ્રતીતિ કરાવે છે.
72 વર્ષની ઉમરના ગુલાબ ફાર્મ’ના માલિક નવનીતભાઈ પટેલ વર્ષોથી ધરુ ઉછેરમાં નિષ્ણાત છે. વડોદરા જિલ્લામાં પદ્ધતિસરના ધરું ઉછેરની પહેલ કરનાર જૂજ શરૂઆતી ખેડૂતોમાં તેમનો સમાવેશ થાય છે. ધરું ઉછેરમાં તેમણે સતત નવા પાકો ઉમેર્યા અને કૃષિ ટેકનોલોજીનો વિનિયોગ કર્યો. તેમની આ આવડતને લીધે તેમની પોતાની આવક મધ્યમ કદની કંપનીના સીઈઓ જેટલી એટલે કે લગભગ વર્ષે 30 લાખ જેટલી થવા પામી છે.
નવનીતભાઈ સમજાવે છે, ‘હું આ વિસ્તારમાં કૃષિ ક્ષેત્રે નાવાચાર માટે કામ કરી રહ્યો છું અને મારી ખેતી કરવાની પદ્ધતિ વિસ્તારી રહ્યો છું. મારી પાસે કુલ 14 એકર ખેતીની જમીન છે, જેમાં બે એકર ફળ-ફૂલછોડ અને શાકભાજીની નર્સરી માટે અલાયદી રાખી છે. અમે શરૂઆતના વર્ષોમાં બે કે ત્રણ શાકભાજીનું ધરું વાડિયું ઊછેરતા હતા. રાજ્યના કૃષિ વિભાગ પાસેથી માર્ગદર્શન મેળવ્યા બાદ હવે નવ પ્રકારની વિવિધ શાકભાજી ના ધરું ઉછેરવાનું શક્ય બન્યું છે.’
એક એકર જમીનમાં ગ્રીનહાઉસ બનાવી તેમાં મરચાં, રીંગણ, લેટીસ, ફ્લાવર, કોબીજ, ટામેટા, બ્રોકોલી, ડુંગળી અને ગલગોટાના ફૂલોના ધરૂનો ઉછેર કરે છે, ત્યારપછી તે આ છોડ ખેડૂતોને એક છોડના 50 પૈસાથી એકાદ રૂપિયાની કિંમતે ધરું પૂરા પાડે છે. છોડ નારિયેળના છોતરાથી બનાવેલા ગાદી ક્યારાઓમાં ઉછેરવામાં આવે છે.જેમાં માટી સાથે જરૂરી પ્રમાણમાં ખાતર મિશ્ર કરવામાં આવે છે.
ઓછા પાણીનો મહત્તમ ઉપયોગ કરવા માટે, નર્સરીમેન નવનીતભાઈએ ગ્રીનહાઉસની અંદર અને બહાર સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ વિકસાવી છે. આ ઉપરાંત તેઓ તેમના ખેતરમાં 30 લોકોને રોજગારી આપે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓર્ગેનિક ખેતીની હિમાયત કરે છે જેને નવનીતભાઈ વ્યાપક ખેડૂત સમુદાય સુધી પહોચાડવા માંગે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.