આત્મવિલોપનની ચીમકી:શિનોરના નિવૃત્ત શિક્ષકે આત્મવિલોપન કરવાની લેખિત અરજી કરતા ચકચાર

શિનોર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખાનગી ટ્યૂશન કરતા હોવાની તપાસના બહાના હેઠળ શિક્ષકને નિવૃત્તિના લાભ મળ્યા ન હતા

શિનોરની શ્રી જે.સી.પટેલ સાર્વજનિક હાઈસ્કૂલના 16 વર્ષ પહેલા સેવા નિવૃત્ત થયેલા શિક્ષકને ટ્યુશન કરતા હોવાના બહાના હેઠળની તપાસ બાદ નિવૃત્ત શિક્ષકની નામદાર શિક્ષણ ટ્રીબ્યુનલ અને હાઇકોર્ટના 10 વર્ષ પહેલા આવેલા હુકમનો અનાદર કરી નિવૃત્તિના લાભ નહીં અપાતા શિક્ષકે આત્મવિલોપન કરવાની લેખિત અરજી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી વડોદરાને અને કમિશનર કચેરી ગાંધીનગરને કહી છે.

શિનોરની શ્રી જે.સી પટેલ સાર્વજનિક હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે શિનોરમાં રહેતા વલ્લભભાઈ વિઠ્ઠલભાઈ પટેલ 31 મે 2006ના રોજ શિક્ષક તરીકે સેવા નિવૃત્ત થયા હતા. પરંતુ તેઓની શિક્ષક તરીકેની ફરજ દરમિયાન ખાનગી ટ્યૂશન કરતા હોવાની તપાસના બહાના હેઠળ તેઓને તે સમયે કોઈપણ પ્રકારની નિવૃત્તિના લાભ મળેલ ન હતા.

તેની સામે આ નિવૃત્ત શિક્ષકે ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ ટ્રીબ્યુનલ અમદાવાદમાં અરજ નંબર 247/2007થી અરજ કરતા નિવૃત્ત શિક્ષકની અરજી ગ્રાહ્ય રાખી નિવૃત્તિના તમામ લાભો 3 માસમાં ચૂકવવાનો વર્ષ 2012માં હુકમ કરેલ હતો. તેમ છતાં જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી વડોદરાએ કોઈ લાભ નહીં ચૂકવેલ અને લાંબા સમય પછી જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ નામદાર હાઇકોર્ટમાં સ્પેશ્યલ સિવિલ અરજ નંબર 3449/2013થી અપીલ દાખલ કરી હતી.

જે અપીલ નામદાર હાઈકોર્ટે તા. 11/7/2018ના રોજ ડીસમીસ કરી હતી અને શિક્ષણાધિકારીની કચેરીએ નિવૃત્ત શિક્ષકના પેન્શન અને તેના લાભોની ગણતરી કરી પત્રક મોકલવા શ્રી જે.સી પટેલ સાર્વજનિક હાઈસ્કૂલ શિનોરને પત્ર પાઠવતા હાઈસ્કૂલમાંથી લાભોની ગણતરી કરી મોકલી અપાઈ હતી.

આમ બંને નામદાર કોર્ટના નિવૃત્ત શિક્ષકની તરફેણમાં આવેલ હુકમ છતાં નિવૃત્તિના 16 વર્ષ પછી પણ પેન્શન વગેરે જેવા લાભો ન ચૂકવાતા શિક્ષકે શિનોર વિસ્તારના ધારાસભ્ય મારફતે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રીને રજૂઆત કરવા છતાંય હજુ લાભ નહીં મળતા વલ્લભભાઈ પટેલે રજિસ્ટર પોસ્ટ મારફતે 15 દિવસમાં લાભો નહીં ચૂકવવામાં આવે તો કોર્ટ ઑફ કન્ટેમ્પની કાર્યવાહી કરવાની તેમજ આત્મવિલોપનની ચીમકી અને ઊભી થનારી પરિસ્થિતિની જવાબદારી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી વડોદરાને તેમજ શિક્ષણ વિભાગ ગાંધીનગરની રહેશેનો પત્ર પાઠવતા શિનોર તાલુકામાં ચકચાર મચી જવા પામેલ છે.

અન્ય સમાચારો પણ છે...