માગણી:શિનોરના ગામોની સીમમાં રસ્તાની પડતર અરજીઓનો ત્વરિત નિકાલ કરવાની માગ

શિનોર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખાનગી ખેતર માલિકોએ તારની વાડ કરી દેતાં અન્ય ખેડૂતોને મુશ્કેલીઓ પડી રહી છે
  • કેટલાય ગામોમાં ગેરકાયદેસર સરકારી ગોચરની જમીનોના દબાણ પણ કરી દીધા છે

શિનોર તાલુકામાં આવેલા ગામોની સીમમાં ખાનગી ખેતર માલિકો દ્વારા તારની વાળ કરી દેતા અન્ય ખેડૂતોને જવા આવવા માટે અને ખેતી કામ કરવામાં મુશ્કેલીઓ પડી રહી છે. કેટલાક ગામોમાં નેળ/ગાળા માર્ગને અડીને આવેલા ખેતરોમાં માલિકોએ દબાણ કરેલા છે. તે અંગેની શિનોર મામલતદાર કચેરીમાં દબાણો દૂર કરવા અરજદારોએ કરેલી અરજીઓનો નિકાલ થતો નહીં હોવાથી ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે. આવી પડતર અરજીઓનો ત્વરિત નિકાલ થાય તે માટે લોક માગ ઉઠી છે.

શિનોર તાલુકાના ગામોમાં પોતાની માલિકીના ખેતરોમાં તારની વાડ કરવામાં આવે છે. જેને લઈને આજુબાજુના ખેતર માલિકોને ખેતી કામ કરવા માટે ટ્રેક્ટર કે બળદ ગાડુ હળ લઈ જવાની મુશ્કેલી ઊભી થાય છે. કેટલાક ગામોમાં ગાડા માર્ગ કે નેળ અડીને આવેલા ખેતર માલિકો દ્વારા વર્ષો જૂના રસ્તાના દબાણ કરી તારની વાડ કરી દીધેલ છે. તો કેટલાય ગામોમાં ગેરકાયદેસર સરકારી ગોચરની જમીનોના દબાણ પણ કરી દીધા છે. અરજદારો દ્વારા ખેતીની જમીનના ખાનગી માલિકોએ કરેલા દબાણો દૂર કરવા ખેતીકામ માટે ટ્રેક્ટર હળ બળદગાડું વગેરે લઈ જવા માટેનો રસ્તો મેળવવા શિનોર મામલતદાર ને અરજ કરેલ છે લાંબા સમયથી આવી અરજીઓનો નિકાલ થતો નથી. અને ખેડૂતોને પોતાની જમીન પર જવાનો રસ્તો બંધ થઈ જતા જમીન વાસલ રાખવાની પણ ફરજ પડે છે. આવો કિસ્સો બરકાલ ગામે પણ બનેલ છે. જેમાં અરજદારે ઉપવાસ માટે માંગણી કરતા મંજૂરી આપવામાં આવી નથી. લાંબા સમયથી દબાણો દૂર કરી રસ્તો આપવા અંગેની પડતર અરજીઓનો સત્વરે નિકાલ થાય તે માટે લોક માગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...