કામગીરી:શિનોરના ભંડારેશ્વર મંદિરમાં સંરક્ષણ દીવાલ, પેવરબ્લોક કામગીરી શરૂ કરાઈ

શિનોર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નર્મદા નદીનાં પૂરના કારણે પૌરાણિક સ્થળો જોખમમાં મુકાયા છે
  • તાલુકા પંચાયતના પ્રમુખના પ્રયત્નોથી સંરક્ષણ દીવાલ અને પેવર બ્લોકની શરૂ થયેલી કામગીરી

શિનોર પાસેથી પસાર થતી ઉત્તરવાહીની નર્મદા નદીને રેવા તટ પણ કહેવાય છે. આ તટ પર પુરાણ પ્રસિદ્ધ ભંડારેશ્વર, કૃષ્ણેસ્વર અને રોહિનેશ્વર મહાદેવના શિવાલયો આવેલા છે. નર્મદા નદીમાં વર્ષો વરસ પાણી આવતા આ શિવાલયોના કિનારાઓ ધોવાતા ભેખડ ધસી જવાનો ભય ઉભો થયો છે. ભૂતકાળમાં ભક્તોથી ઉભરાતા આ તીર્થમાં દર્શને જવા શ્રીમંત સર સયાજીરાવ ગાયકવાડે સત્તરના સૈકામાં રસ્તા અને કોતરો વચ્ચે બે ઝૂલતા પુલ બનાવ્યા હતા.

રેવાખંડ, સ્કંદપુરાણ અને નર્મદા પુરાણમાં ભંડારેશ્વર, દેવોના ખજાનચી અને કુબેરભંડારીના મોટાભાઈ છે. અહીં ભંડારેશ્વરનું શિવલિંગ સ્વયંભૂ છે. ભગવાન શ્રીકૃષ્ણએ મહાભારતના યુદ્ધ પછી સુદર્શન ચક્રને નર્મદા નદીમાં વિસર્જિત કરેલ છે તે કૃષ્ણેસ્વર મહાદેવ અને ચંદ્રએ રોહિણી નક્ષત્રમાં શિવને પ્રસન્ન કરવા મહાદેવની સ્થાપના કરેલ તે રોહીનેશ્વર મહાદેવ છે. આમ આ ત્રણેય શિવાલય પ્રાકૃતિક અને કુદરતી રમણીય રેવાતટની શોભા સમાન છે.

હાલ આવા સુપ્રસિદ્ધ મંદિરોની ભેખડો અને પટાગણનું ધોવાણ થતા તાલુકા પંચાયતના પ્રમુખ સચિન પટેલ દ્વારા હાલ ભંડારેશ્વરના પટાંગણનું ધોવાણ અટકાવવા સંરક્ષણ દીવાલ અને મંદિરના પટાંગણમાં પેવરબ્લોકનું કામ મંજૂર કરાવી કામ પ્રગતિમાં છે. જ્યારે આ ત્રણેય શિવાલયોની ભેખડનું ધોવાણ અટકાવવા માટે ખર્ચ વધુ હોય તેના માટે તા.પ.પ્રમુખ સચિન પટેલ અને કરજણ-શિનોરના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ દ્વારા ગાંધીનગર ખાતે રાજ્ય કક્ષાએ સિંચાઈ વિભાગમાં રજૂઆત કરી હતી.

આ રજૂઆતના પગલે બીજા જ દિવસે સિંચાઈ વિભાગના અધિકારીઓ સ્થળ નિરીક્ષણ કરવા આવ્યા હતા અને અંદાજીત દોઢ કરોડનું એસ્ટીમેન્ટ થતું હોય સિંચાઈ વિભાગ દ્વારા મંજૂરી માટે મુકાયેલ છે. શિનોર મુકામે શિવાલયોના સર્વેની કામગીરી કરાતા શિવભક્તો અને ગ્રામજનોને સંરક્ષણ દીવાલ બનશે તેવી આશા જાગી છે. નર્મદા નદીનાં પુરના કારણે કિનારાઓ ધોવાતા કિનારા પરના ખેતરો અને પૌરાણિક સ્થળો જોખમમાં મુકાયા હોય તો સિંચાઈ વિભાગ ખેતરોના ખેડૂતો અને અન્ય તીર્થના કિનારા પર ધોવાણ ન થાય તે માટે સંરક્ષણ દીવાલના કામ થાય તેવા પ્રયત્નો કરવાની પણ માગ ઉઠી છે.

ભંડારેશ્વર મંદિરે ગામના યુવાનોએ પરિક્રમાવાસી માટે સદાવ્રત ચાલુ કર્યું
શિનોર ભંડારેશ્વર મંદિર ના વિશાળ પટાંગણમાં નર્મદામૈયા અને બળીયાદેવનું મંદિર પણ છે. અહીં કોઈ રહેતું નહોતું તેથી અવાવરી જગ્યા ન બને તે માટે તા.પ.પ્રમુખ સચિન પટેલ અને ગામના યુવા શિવભક્તો દ્વારા પરિક્રમાવાસીઓ માટે સદાવ્રત ચાલુ કરાયું છે. તેઓ દ્વારા પરિક્રમાવાસીઓને રહેવા માટે નર્મદા માતાજીના મંદિરની બાજુમાં આવેલ રૂમને રિનોવેશન કરી ઓટલા પર પતારાનો શેડ કરાવી રહેવા માટે સુંદર વ્યવસ્થા કરાઈ છે. રોજ 40થી 50 જેટલા પરિક્રમાવાસીઓ તેનો લાભ લઇ રહ્યા છે. આ પૌરાણિક સ્થળની જાળવણી કરવા માટે તા.પ.પ્રમુખ અને યુવાનોની આ કામગીરીને શિવભક્તો બિરદાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...