ગ્રાહકોની માંગ:શ્રી મહાલક્ષ્મી મર્કેન્ટાઇલ બેંક પર મૂકાયેલ નિયંત્રણોની માહિતી આપવા ગ્રાહકોની માંગ

શિનોર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાધલીમાં મહાલક્ષ્મી બેંકની શાખા પર ગ્રાહકો, સભાસદો ઉમટ્યાં

ડભોઇ મુકામે હેડ ઓફિસ ધરાવતી શ્રી મહાલક્ષ્મી મર્કન્ટાઇલ કો ઓપરેટિવ બેન્કમાં રિઝર્વ બેંક દ્વારા 35 એ મુજબ નિયંત્રણો તાજેતરમાં લાદવામાં આવેલા છે. શિનોર તાલુકાના સાધલી મુકામે પણ આ બેંકની શાખા આવેલ હોઇ હોળીના દિવસે બેંકની સ્થિતિ જાણવા ગ્રાહકો ખાતેદારો તથા સભાસદો ઉમટ્યા હતા.

બ્રાન્ચ મેનેજર જયેશભાઇ તથા વડોદરાથી આવેલ અંબેશ વ્યાસ દ્વારા હાલની બેંકની પરિસ્થિતિ જણાવી છ માસમાં એક વખત ₹30,000 બચત ખાતામાંથી ઉપાડી શકાશે તેની જાણકારી આપી હતી. તેમજ થાપણ પાવતી માટે રીન્યુ કરાશે પરંતુ તેનો ઉપાડ હાલ થઈ શકશે નહીં, લોકરો માટે લોકર ધારકોને નિયમ મુજબ છૂટછાટ છે તેવી જાણકારી આપી હતી.

સાધલી તથા આજુબાજુના ગામડાના ખેડૂતો તથા નાના વેપારીઓ અને સવિશેષ મહિલાઓ જેમણે પોતાની મૂડી,પોતાની બચત સાચવવા માટે શ્રી મહાલક્ષ્મી બેંકમાં મૂકેલ તેઓમાં ભારે નિરાશા વ્યાપેલ છે. સિનિયર સિટિઝન ખાતેદારોમાં પણ હોદ્દેદારો પ્રત્યે ભારે નારાજગી વ્યાપેલ છે અને બેંકનું એન.પી.એ. વધારવામાં જે કોઈ ચમરબંધી હોય તેની સામે કાયદેસર પગલાં ભરવાની પણ માંગ કરેલ છે.

બેંકના ડિરેક્ટરોના સગાવહાલાં દ્વારા નિયમ ભંગ કરીને જો કોઈ લોન લીધી હોય તો તેવા હોદેદારો તથા ડિરેક્ટરો અને લોન લેનારા ઉપર પણ પગલાં લેવાની માંગ ઉઠી છે. જોકે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા બહાર પાડેલ નવી માર્ગદર્શિકા મુજબ શ્રી મહાલક્ષ્મી બેંકમાં મુકેલ દરેક થાપણદારની ~ 5 લાખ સુધીની થાપણો D.I.C.G.C. દ્વારા વીમાથી રક્ષિત છે, અને આનો અમલ 4 ફેબ્રુ. 2020 થી બેંકમાં શરૂ કરાવેલ છે. બેંક સત્તાધીશો દ્વારા બેંકની આજની પરિસ્થિતિ તથા રિઝર્વ બેન્ક દ્વારા મુકાયેલ નિયંત્રણો બાબતે જાહેરમાં ખુલાસો કરી તમામ સભાસદો, ખાતેદારો તથા ગ્રાહકોને સાચી હકીકતની માહિતી આપે એ જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...