શિનોર તાલુકાના મોટા ફોફળિયા ગામના ખેડૂતોના સોલાર સ્કાય મીટર યોજના અંતર્ગત સૂર્ય શક્તિ ઊર્જાથી પિયત કરતા 63 જેટલા ખેડૂતોના જોડાણ MGVCL દ્વારા કાપી નંખાતાં મોટા ફોફળિયા સ્કાય ફીડર સંચાલન સમિતિ દ્વારા અમદાવાદની સહજ સોલાર કંપની વિરુદ્ધ શિનોર પોલીસ મથકે લેખિત ફરિયાદ કરતાં વિવાદ વિકર્યો છે.
શિનોર તાલુકામાં 11 KV મોટા ફોફળિયા/ઝાન્ઝડ અંતર્ગત 63 જેટલા ખેડૂતો, સૂર્ય શક્તિ ઊર્જાથી ખેતીના પિયત માટે સોલાર સ્કાય મીટર યોજનામાં જોડાયા હતા. આ યોજના માટે વર્ષ 2019માં MGVCL,અમલીકરણ સંસ્થા અને ખેડૂતો વચ્ચે થયેલા ત્રિપક્ષીય કરાર મુજબ ખેડૂતોને 65% સબસીડી ચૂકવવાના સ્થાને 30% સબસિડી ચૂકવાતા આ અંગે અનેક રજૂઆતો કરવા છતાં પરિણામ શૂન્ય રહ્યું. ઉપરથી MGVCL દ્વારા આ તમામ જોડાણ કાપી નંખાતાં રોષે ભરાયેલા ખેડૂતોએ શિનોર MGVCL કચેરીએ પહોંચી ઉગ્ર રજૂઆત કરી અધિકારીઓની આંખો ખોલવા રામધૂન કરી ધરણાં કર્યા હતા.
તેમ છતાં પણ તેમની ફરિયાદ કોઈએ ના સાંભળતાં ગુરુવારે આ સમગ્ર મામલો શિનોર પોલીસ મથકે પહોંચ્યો હતો. જ્યાં 63 ખેડૂતોની 11 KV મોટા ફોફળીયા/ઝાન્ઝડ SKYફીડર, સંચાલન સમિતિએ, અમદાવાદની સહજ સોલાર પ્રાઇવેટ લિમિટેડ કંપની વિરુદ્ધ, કંપનીએ સત્તાનો દૂરુપયોગ કરી વિશ્વાસઘાત તેમજ છેતરપિંડી કરી ખેડૂતોને મોટું આર્થિક નુકસાન પહોંચાડ્યું હોવાની લેખિત ફરિયાદ કરી હતી અને કંપનીના જવાબદારો વિરુદ્ધ કાર્યવાહી કરવા માગ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.