શિનોર નગરમાં વરસાદ હાથતાળી આપી ગયો છે. અને વાતાવરણમાં પલટો આવી ગયો હોય દિવસે ગરમી અને રાત્રે વાતાવરણમાં ઠંડક આવતા બેવડી ઋતુના અહેસાસ થાય છે, જેને લઈને વાયરલ ઇન્ફેકશનથી શરદી, ખાંસી, તાવના દર્દીઓ વધી રહયા છે અને તેમાંય શિનોર ગામમાં અમુક વિસ્તાર રબારી વાડ, ખત્રી વાડ, વણઝારી ફળીયુ, નાની ભાગોળ, લક્ષ્મી ચોક, આવાસ કોલોની વગેરે વિસ્તારમાં લોકોએ ઘર વપરાશનું ગંદુ પાણી ખુલ્લામાં છોડી દીધું છે. રસ્તા પર ગંદા પાણીના રેલા વહેતા જોવા મળે છે. જેને કારણે ગંદકી વધી ગઇ છે.
આ ગંદકીના કારણે પાણીજન્ય રોગો ઝાડા, ઉલટી, ચિકનગુનિયા, ડેન્ગ્યુ જેવા રોગ ફેલાવાની દહેશત ઉભી થઇ છે. તેમ છતાં હજુ આરોગ્યતંત્ર ઘોર નિદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે. સરકારી દવાખાનામાં તેમજ ખાનગી દવાખાનામાં દર્દીઓ રોજ રોજ વધી રહ્યા છે. આરોગ્યતંત્ર દ્વારા ડોર ટુ ડોર સર્વે કરવાની તેમજ પોરાનાશક કામગીરી હાથ ધરાય એ જરૂરી છે. હજુ કોરોનાની મહામારીની ઝપટમાંથી માંડમાંડ બહાર આવી રહ્યા છે ત્યાં કોરોનાની ત્રીજી લહેર આવવાની આશંકા સેવાઇ રહી છે. આવા સમયે શિનોરનું આરોગ્ય તંત્ર બેધ્યાન છે.
આરોગ્ય તંત્ર રોગચાળા સામે તકેદારીના પગલાં ભરે તેવી લોકોમાં માંગ ઉઠી છે. જયારે શિનોર ગ્રામ પંચાયત દ્વારા પણ ગ્રામજનોની સ્વાસ્થ્યની ચિંતા કરી જાહેરમાર્ગ પર મોરિયોનું પાણી બહાર કાઢી ગંદકી કરતા ઈસમો સાંમે પગલાં ભરીને ગંદકી દૂર કરાવે તે જરૂરી છે. નહીં તો ગામમાં રોગચાળો ફાટી નીકળશે તો નવાઈ નહીં. પંચાયત દ્વારા મોરિયોનું નીકળતું પાણી બંધ કરવા માટે એક કર્મચારીને પગાર પર લીધો હોવા છતાં તેની કોઈ અસર દેખાતી નથી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.