શિનોર તાલુકામાં તલાટી કમ મંત્રીઓના મંજૂર મહેકમ સામે અડધોઅડધ ભરાયેલી ન હોવાથી પ્રજાના કામોમાં વિલંબ અને પંચાયતને લગતી કામગીરી તેમજ ગ્રામજનોને દાખલા, તેમજ અન્ય કામો માટે ધર્મધક્કા થાય છે. હાલમાં તાલુકા પંચાયતથી લઇ ઉપર સુધી ભાજપનું શાસન હોવા છતાં તલાટીઓ જે સ્થાનિક કામો માટે જનતા અને સરકાર વચ્ચે ચાવીરૂપ હોવા છતાં ઘટ હોય સ્થાનિક નેતા તેમજ પદાધિકારીઓ કેવળ ગ્રાન્ટની ફાળવણી અને વિકાસના કામો કરવામાં મશગુલ રહેતા હોય, પ્રજાના કામો અટવાતા હોય ટલાટીઓની ખાલી જગ્યા પુરી પ્રજાલક્ષી કામ કરે તેવી માગ ઉઠેલ છે.
વડોદરા જિલ્લાના નાના શિનોર તાલુકામાં કોરોના બાદ તાલુકામાં તલાટીઓની ઘટ પુરાતી ના હોય પ્રજાના કામો અટવાતા કોરોનાગ્રસ્ત બનેલ છે. શિનોર તાલુકામાં કુલ 41 ગામો છે. જેમાં એક જૂથ ગ્રામ પંચાયત સાથે કુલ 40 ગ્રામ પંચાયતો છે. તાલુકામાં મહેકમ પ્રમાણે તલાટીઓની કુલ 37 જગ્યા છે. જેમાં હાલ મહેકમ સામે માત્ર 21 તલાટીઓ છે. તેમાંય એક મહિલા તલાટી કોરોનાને કારણે અને એક તલાટી બીમારીને કારણે લાંબા સમયથી કપાત રજા પર છે.
આમ માત્ર 19 તલાટીઓ હાલ ફરજ પર આવે છે. તેમાંય 9 ગ્રામ પંચાયતમાં વહીવટદાર તરીકેનો વધારાનો ચાર્જ તલાટીઓને આપેલ છે. આમ દરેક તલાટીઓ પાસે 3થી 4 ગ્રામ પંચાયતાનો ચાર્જ છે. તાલુકાની તમામ ગ્રામ પંચાયતોમાં હાલ તલાટી કાયમી કોઇ પણ ગામમાં મળતા નથી અને ગ્રામ પંચાયત કચેરીના નોટિસ બોર્ડ ઉપર તલાટી ક્યારે આવશે તે અંગેનું જાહેર જનતાને જણાવતું બોર્ડ પણ લગાવવામાં આવતું નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.