ગુજરાત ભારતીય જનતા પાર્ટીના રાજ્ય કક્ષાના સંગઠન દ્વારા દરેક સંસદીય મતવિસ્તારમાં સાંસદ ખેલ સ્પર્ધાના આયોજનની યોજના શરૂ કરેલ છે. જે અંતર્ગત ભરૂચ સંસદીય મત વિસ્તારની સાંસદ ખેલ સ્પર્ધાનું તારીખ 8 જૂન 2022ના રોજ સાગબારા ખાતે શુટીંગ વોલીબોલ સ્પર્ધાનું આયોજન કરાયું હતું.
ભરૂચ સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ કરજણ-શિનોર મતવિસ્તારના યુવાનોએ શુટીંગ વોલીબોલ સ્પર્ધામાં ભાગ લેવા પહોંચતા સ્થાનિક આયોજકોએ ભાગ લેવા દીધો ન હતો જેના કારણે કરજણ-શિનોર મતવિસ્તારના યુવાનોને છેક સાગબારા સુધીનો ધરમધક્કો ખાવાનો વારો આવતા યુવાનોમાં રોષ જોવા મળે છે અને ફરી સાંસદ ખેલ સ્પર્ધાનું આયોજન કરવાની માગણી કરી છે.
ગુજરાત ભારતીય જનતા પાર્ટી સંગઠન દ્વારા યુવાનોને રમત-ગમત ક્ષેત્રને પ્રોત્સાહન મળે તે માટે સાંસદ ખેલ સ્પર્ધાની યોજના અમલમાં મૂકેલ છે. તે અંતર્ગત ભરૂચ સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ કરજણ અને શિનોર મત વિસ્તારના શિનોર તાલુકાના ઉતરાજ અને મોટાફોફળિયાના યુવકોએ આ સ્પર્ધામાં ભાગ લેવા આયોજકોને અગાઉથી ફોન કરી પોતાની શુટિંગ વોલીબોલ સ્પર્ધા માટે ટીમોની નોંધણી કરાવી હતી અને સાથે જરૂરી ઓળખપત્રો જેવા કે આધાર કાર્ડ, મતદાર ઓળખકાર્ડ વગેરે લઈને આવવાની મળેલ સૂચના મુજબ તારીખ 8 જૂન 2022ના રોજ સાગબારા ખાતે યોજાયેલ સ્પર્ધામાં ભાગ લેવા કરજણ શિનોર તાલુકાના યુવકો પહોંચ્યા હતા.
આયોજકો પાસેથી પ્રવેશ ફોર્મ મેળવી ફોર્મ ભરી આયોજકોને સુપરત કરેલ હતું. ત્યાર બાદ રાત્રીના 8 કલાકે સ્પર્ધાના આયોજકોએ શિનોર કરજણ મતવિસ્તારના યુવકોને પ્રવેશ માટે લાયકાત ધરાવતા ન હોવાનું જણાવી સ્પર્ધામાં ભાગ લઈ શકશો નહીં. જેથી ભાગ લેવા ગયેલ યુવકોએ સ્પર્ધાના ઉદ્ઘધાટનમાં આવેલા સાંસદ મનસુખ વસાવાને રજૂઆત કરી હતી.
આ મત વિસ્તારના ધારાસભ્ય અક્ષય પટેલને પણ ત્યાંથી ટેલિફોનિક રજૂઆત કરી હતી. ત્યારબાદ ભરૂચ જિલ્લા ભાજપના મહામંત્રીને પણ રજૂઆતો કરતા તેઓએ પણ કહ્યું હતું કે તમારે ત્યાં જ રમવાનું છે તેમ છતાંય આ સ્પર્ધામાં ભાગ લેવામાં આયોજકોએ વંચિત રખાયા હતા. જેને લઇને યુવકોને છેક સાગબારા સુધીનો ધરમધક્કો પડ્યો હતો અને યુવાનોમાં રોષ જોવા મળેલ છે. આ વિસ્તારના યુવકો ભરૂચ સાંસદ સ્પર્ધાનું ફરી આયોજન કરવા માગ કરી રહ્યા છે. જો તેમ નહીં થાય તો તેના ચૂંટણીમાં ઘેરા પ્રત્યાઘાત પડે તો નવાઈ નહીં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.