દરિયાપુરાની ઘટના:ખેતરમાં ડીપી સાથે જોડેલા તારને અડી જતાં વૃદ્ધાનું મોત

શિનોર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગેરકાયદે તાર જોડનાર ખેડૂતની ધરપકડ
  • ઘટનાસ્થળે જ મોત : શ્રમજીવી વૃદ્ધા ઘાસ કાપવા ગયા હતા

શિનોરના દરિયાપુરા ગામે ખેતરના પાકનો જંગલી જાનવરો બગાડ ન કરે તે માટે ખેડૂતે સરકારી ટ્યુબવેલના વીજ જોડાણની ડીપીમાંથી વીજ વીજ પ્રવાહ પસાર કર્યો હતો. તેને ઘાસ કાપવા ગયેલા એક શ્રમજીવી વૃદ્ધા અડી જતાં કરંટને કારણે સ્થળ પર જ મોત થયું હતું. ઘટનાની જાણ શિનોર પોલીસને કરતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોટા ફોફળીયા ખસેડ્યો હતો. પોલીસે ગેરકાયદે વીજજોડાણ કરનાર ખેતર માલિકની ધરપકડ કરી છે.

દરિયાપુરા ગામે પોઇચા માર્ગ પાસે સરકારી ટ્યુબવેલના વીજ જોડાણમાંથી બાજુના ખેતર માલિક કાંતિભાઈ પટેલની જમીન હાર્દિક પટેલ નામના ખેડૂત ખેતી કરતા હતા. તેમણે ખેતરના પાકને જંગલી જાનવરો નુકસાન પહોંચાડે નહીં તે માટે ખેતરની ફરતે તારની વાડમાં વીજ જોડાણ કર્યું હતું. બુધવારે વહેલી સવારે ગામના 68 વર્ષના શ્રમજીવી વૃદ્ધા શાંતાબેન વસાવા પશુઓ માટે ઘાસચારો કાપવા ગયા હતા ત્યારે વીજ પ્રવાહ ચાલુ હોઇ અડી જતા વીજ કરંટને કારણે તેઓ ત્યાં જ ઢળી પડ્યા હતા.

બપોરના વૃદ્ધા ઘરે પરત ન આવતાં તેઓના પરિવારજનોએ ખેતરમાં જઇ તપાસ કરતાં તેઓ વીજતાર સાથે ચોંટેલા નજરે પડ્યા હતા. જેમાં તેમનું કમકમાટી ભર્યું મોત થયું હતું. શિનોર પોલીસને આ ઘટનાની જાણ કરતાં પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી વૃદ્ધાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોટા ફોફળીયાના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યા હતા. પોલીસે ગેરકાયદે વીજ જોડાણ કરનાર ખેડૂતની ધરપકડ કરી હોવાનું જાણવા મળેલ છે.

અન્ય સમાચારો પણ છે...