તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારી:સાધલીના રહેણાક વિસ્તારમાં મેડિકલ વેસ્ટનો જથ્થો ઠલવાતાં લોકો ડઘાયાં

શિનોર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
સાધલી કુક્સ રોડ પર રહેણાક વિસ્તારમાં જાહેરમાં મેડિકલ વેસ્ટનો પડેલો ઢગલો દેખાય છે. - Divya Bhaskar
સાધલી કુક્સ રોડ પર રહેણાક વિસ્તારમાં જાહેરમાં મેડિકલ વેસ્ટનો પડેલો ઢગલો દેખાય છે.
  • ખુલ્લામાં મેડિકલ વેસ્ટ ફેંકીને લોકોના જાનમાલની પરવા ન કરવાનું જઘન્ય કૃત્ય
  • આરોગ્ય અને પોલીસ તંત્ર આવું હીન કૃત્ય કરનારની તપાસ કરી કાયદેસર પગલાં ભરે તેવી માગ

શિનોર તાલુકાના સાધલી ગામે કુક્સ જવાના રોડ પર જાહેરમાં જ્યાં પંચાયત કચરો ઠાલવે છે. ત્યાં કોઈ દવાખાનાવાળાએ હજારો રૂપિયાનો મેડિકલ વેસ્ટ ખુલ્લામાં નાખતાં, બાજુમાં રહેણાક વિસ્તાર હોઇ કોઈ નાના બાળક, મોટેરા તથા પશુઓ માટે જીવલેણ બની શકે તેમ છે. સાધલી પી.એચ.સી. સહિત ઉચ્ચ અધિકારીઓ તથા સ્થાનિક પોલીસને ખુલ્લામાં નખાયેલા નુકસાનકારક મેડિકલ વેસ્ટની જાણ કરાયેલ છે. સાધલીથી કુકસ જવાના રસ્તે લાલજી નગર નજીક પંચાયત દ્વારા ગામના કચરાનો નિકાલ થાય છે.

તા.૨૬ ઓગસ્ટના રોજ સવારના સમયે કોઈ દવાખાના દ્વારા સંઘરી રાખેલ મેડિકલ દવાઓ, મેડિકલ વેસ્ટ, સિરિંજો, ગ્લુકોઝના બોટલો, આઇ.વી.સેટ, અનેક જાતના શિડયુલ એચના ઇન્જેક્શનોના બલ્બો, નીડલો, માસ્ક સહિત એન્ટિબાયોટિક દવાના ખોખા સ્ટ્રીપોનો નિયમોનુસાર નિકાલ કરવાના બદલે ખુલ્લામાં ફેંકીને લોકોના જાનમાલને ઇરાદાપૂર્વક નુકસાન કરવાનો પેંતરો રચેલ છે. શિનોર તાલુકાના સાધલી સેન્ટર, શિનોર સેન્ટર, સીમળી પી.એચ.સી. ના તાબામાં કોઈ ખાનગી એમ.બી.બી.એસ. ડોક્ટર નથી.

આ દવાનો જથ્થો જોતાં એમ.બી.બી.એસ. સિવાય અન્ય કોઈ આયુર્વેદિક કે હોમિયોપેથિક કે ઇલેક્ટ્રોપેથી ડોક્ટર આ દવાઓ વાપરી શકે તેમ ના હોવા છતાં આ કોરોના કાળમાં ચમકી ગયેલા કોઈ ડૉક્ટર દ્વારા જે રોજિંદા બોટલો ચડાવી તેનો વેસ્ટ તથા સ્ટિરોઇડ ઇન્જેક્શનો, એન્ટિબાયોટિક ઇન્જેક્શનોની ખાલી બોટલો તથા સીરીંજ, નિડલો ફેંકીને જાણે-અજાણે રોગચાળો ફેલાવવાનું કૃત્ય કરેલ છે. ફેંકી દેવાયેલા ઇન્જેક્શનનોની બોટલના બેચ નંબરો તથા કંપની અને દવાના નામો ઉપરથી આ દવાઓ કયા ડોક્ટર વપરાશ કરે છે તેની તપાસ થાય તો ફેકી જનારો પકડાવાની સંભાવના છે.

ચીજ-વસ્તુ ઉપર ગવર્મેન્ટ ઓફ ગુજરાત કે સરકારી ઉપયોગ માટે લખાયેલ ના હોય સરકારી દવાખાના દ્વારા આ લખાયેલ નથી. કોઈ ખાનગી દવાખાનાવાળા કે હોસ્પિટલવાળાનું આ કૃત્ય હોવાની સંભાવના છે. મેડિકલ સ્ટોરવાળાની તપાસ થાય તો આવી દવાઓ વધુ કોણ વાપરે છે તે બહાર આવી શકે. સૌથી વધુ ઇન્જેક્શન અને ગ્લુકોઝના બોટલો કયો ડોક્ટર ઉપયોગ કરે છે તે પણ આ મેડિકલ વેસ્ટ જોતાં બહાર આવે તેમ છે. આરોગ્ય તંત્ર અને પોલીસ તંત્ર આવું હીન કૃત્ય કરનારની તપાસ કરી કાયદેસર પગલાં ભરે એ પંથકની માંગ છે.

અન્ય સમાચારો પણ છે...