ચોરી:શિનોરના દામનગરમાં એક જ રાતમાં બે મકાનોમાંથી 8.50 લાખની ચોરી

શિનોર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે ડોગ સ્ક્વોડ અને FSLની મદદ લઈ ચોરોને પકડી પાડવાનું કામ શરૂ કર્યું

શિનોર તાલુકાના છેવાડાના દામનગર ગામમાં ગત રાત્રીએ બે મકાનોમાં ધાપ મારી સોના ચાંદીના દાગીના સાથે રોકડ રકમ મળી કુલ 8,49,402ની ચોરી કરી શિનોર પોલીસની બે તાલુકાની નાઈટ પેટ્રોલિંગ પર સવાલો ઉભા થયા છે.

દામનગર ગામ શિનોર તાલુકાનું ડભોઇ તાલુકાના શિરોલા ગામને અડીને આવેલ છે. તા.9 ઓગસ્ટ 2021ના રોજ મધ્યરાત્રી પછી ગોરપદ અને કર્મકાંડ કરી તાજેતરમાં પરણેલા નૂતન સુનિલભાઈ ભટ્ટ ઉંમર 26 જે પટેલ ફળિયામાં રહે છે. ત્યાં રાત્રીના નિશાચરો ત્રાટકી તિજોરી તોડી અંદરના લોકર તોડી સોનાના બે સેટ, ગળાનું મંગળસૂત્ર, સોનાની ચેન, લેડીઝ લકી, ચાંદીના છડા, વિંટી, ચાંદીના છડા, સોનાના પેન્ડલ, સોનાની બુટ્ટી ઉપરાંત રૂ; 55,500 રોકડ મળી રૂપિયા 5,68,592ની ચોરી કરી હતી. તેમના ઘરની સામે ભાડે રહેતા ભરતભાઇ રમણભાઈ પટેલના ઘરમાં પ્રવેશી રૂમમાં મુકેલ તિજોરી તોડી લોકરમાંથી સોનાનું મંગળસૂત્ર, સોનાની ચેન, વિંટીઓ, સોનાની પતરીઓ, ચાંદીના 20 સિક્કા તથા રૂપિયા 40,000 મળી કુલ રૂપિયા 2,80,810ની અજાણ્યા ઈસમો ચોરી કરી જતા સવારમાં ગામમાં જાણ થતા લોકોના ટોળાં ઉમટ્યા હતા. બંને ઘરોમાંથી કુલ રૂપિયા 8,49,402ની ચોરી થયેલ છે. જોકે સોનાનો હાલનો ભાવ ગણવામાં આવે તો ઘણી મોટી રકમની ચોરી થઈ છે. નૂતનભાઈ સુનિલભાઈ ભટ્ટની ફરિયાદ નોંધી, શિનોર પોલીસે FSL ટીમ ડોગ સ્કવોડ બોલાવી તપાસ આરંભી છે. શિનોર પો.સ.ઇ. વિનોદ ગાવિત તપાસ કરી રહયા છે હજુ સુધી કોઈ સગડ મળેલ નથી. જો કે ચર્ચા મુજબ કોજ જાનભેદુ દ્વારા રેકી કરી આ ચોરીને અંજામ અપાયેલ છે.

રાત્રીના નિશાચરોએ એકી સાથે બે મકાનોમાં બિન્દાસ ચોરી કરીને શિનોર-ડભોઇ પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો છે. જ્યારે નાનકડા દામનગર ગામમાં આ ચોરીથી ફફડાટ વ્યાપેલ છે. પોલીસ દ્વારા આવા હરામખોર નિશાચરોને ઝડપથી પકડી લોકોમાં વિશ્વાસ કાયમ કરે એ હાલ જરૂરી છે.