દુર્ઘટના:દિવેર નર્મદામાં નહાવા પડેલા સાધલી-કરજણના 4 કિશોર ડૂબ્યા, એકનો મૃતદેહ મળ્યો, ત્રણ લાપતા

શિનોર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અંધારુ થઇ જતાં શોધખોળ બંધ કરાઇ, આજે ફરીથી કરાશે
  • વીક એન્ડમાં ટુરિસ્ટ પ્લેસ બનતા શિનોરના દિવેર મઢી ખાતે ઘટેલી દુર્ઘટનાથી અરેરાટી

વીક એન્ડમાં ટુરિસ્ટ પ્લેસમાં ફેરવાઇ જતાં શિનોરના દિવેર ગામે નર્મદા નદીમાં દિવેર મઢીએ રવિવારે બપોરે નાહવા પડેલા સાધલી અને કરજણના 4 કિશોરો તણાઈ ગયા હતા. જે પૈકી એક કિશોરનો મૃતદેહ મળી આવ્યો હતો, જ્યારે અન્ય 3 કિશોરો લાપતા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, શિનોર તાલુકાના દિવેર ગામે આવેલી નર્મદા નદીમાં દિવેર મઢીએ રવિવારે બપોરના 3 વાગ્યાના સુમારે સાધલીના અને કરજણના 16થી 17 વર્ષના કિશોરો નર્મદા નદીમાં નાહવા માટે આવ્યા હતા. આ કિશોરો નદીમાં નાહવા પડ્યા બાદ અચાનક તણાવા લાગ્યા હતા. દરમિયાન સાથે આવેલા અન્ય કિશોરોએ આસપાસના લોકોને જાણ કરતાં તેઓ દોડી આવ્યા હતા. લોકોએ વડોદરા ફાયરબ્રિગેડને જાણ કરતાં લાશ્કરોની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.

ફાયરબ્રિગેડની તપાસમાં સાધલીના રોહિત સુરેશભાઈ વસાવાનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે નર્મદા નદીમાં ડૂબી ગયેલા કરજણના અન્ય 3 કિશોરો પ્રવીણ રાઠોડ, પ્રતીક રાઠોડ અને વિષ્ણુ રાઠોડના મૃતદેહ મળ્યા ન હતા. બીજી તરફ અંધારું થતાં ફાયરબ્રિગેડની ટીમ વડોદરા પરત જવા રવાના થઈ ગઈ હતી. એક સાથે 4 કિશોરો ડૂબી જવાની ઘટનાને પંથકમાં શોક વ્યાપી ગયો છે. ડૂબેલા 3 કિશોરોના મૃતદેહ શોધવાની કાર્યવાહી સોમવાર સવારથી ફરી શરૂ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...