તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:સાવલી ભીમનાથ મહાદેવ મંદિર ખાતે સ્વામીજીની 30મી પુણ્યતિથિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાશે

સાવલી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ.પૂ.સાવલીવાળા સ્વામીજી - Divya Bhaskar
પ.પૂ.સાવલીવાળા સ્વામીજી
  • શ્રાવણી અમાસ, સોમવાર અને સ્વામીજીની 30મી પુણ્યતિથિનો અનેરો ત્રિવેણી સંગમ

સ્વામીજી સાવલીવાળા તરીકે વિશ્વ પ્રસિદ્ધ સંત શિરોમણીની કર્મભૂમિ એવા શ્રી ભીમનાથ મહાદેવ મંદિર ખાતે વર્ષો વર્ષની પરંપરા મુજબ શ્રાવણ માસના અંતિમ દિવસ શ્રાવણી અમાસ અને સ્વામીજી સાવલીવાળાની 30મી પુણ્યતિથિ નિમિત્તે બે દિવસના ભક્તિ પર્વ મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે. આ ભક્તિ પર્વમાં શ્રાવણ માસનો અંતિમ દિવસ એટલે શ્રાવણી અમાસ, શિવજીનો પ્રિય સોમવાર અને સ્વામીજીની 30મી પુણ્યતિથિ એમ અનોખો ત્રિવેણી સંગમ યોજાયો છે.

આ ભક્તિ પર્વની ઉજવણી નિમિત્તે ભીમનાથ મહાદેવના સમગ્ર પરિસરને રંગબેરંગી રોશનીથી કલાત્મક રીતે શણગારવામાં આવી રહ્યું છે. સ્વામીજીનું સમાધિ મંદિર, ગેબીનાથ દાદાનું સમાધિ મંદિર, શિવાલયનું ગર્ભગૃહ અને સ્વામીજીની બેઠકને વિવિધ ફૂલોથી સુશોભિત કરવામાં આવી રહ્યા છે. રોશની અને ફૂલોથી આચ્છાદિત મંદિરનું સમગ્ર પરિસર સ્વર્ગની નગરી સમાન શોભી રહ્યું છે. સમગ્ર સ્વામી ભક્તિ પરિવારમાં અને સાવલી ગામના નગરજનોમાં આ ઉત્સવના કારણે અનેરો ઉત્સાહ અને ભક્તિ સમર્પણ ભાવ જોવા મળી રહ્યો છે.

આ ભક્તિ પર્વ મહોત્સવનો શુભ પ્રારંભ સાવલી ગામની ઉત્તરે આવેલા સ્વામીજી દ્વારા યંત્ર આધારિત નિર્માણ પામેલા સાચી અંબાજી માતાજીના મંદિરે તારીખ 5 સપ્ટેમ્બરને રવિવારે સવારે 9:00 કલાકે વિદ્વાન ભૂદેવો દ્વારા શ્રીનવચંડી યાગથી કરવામાં આવશે. શ્રીફળ હોમવાનો સમય સાંજના 4.00 કલાકે નિર્ધારિત કરવામાં આવ્યો છે. ભીમનાથ મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસના સમાપન, શ્રાવણી અમાવાસ્યા (પીઠોરી અમાસ) અને સ્વામીજી સાવલીવાળા ની 30મી પુણ્યતિથિ નિમિત્તે 6 સપ્ટેમ્બરને સોમવારે વિવિધ ભક્તિ ભાવ સભર ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો આયોજીત કરવામાં આવ્યા છે.

મુખ્ય મંદિરના ગર્ભગૃહ સમક્ષ આવેલા સંગીત પ્રચારની સભાના વિશાળ રંગમંચ ઉપર સવારના 7.00 કલાકથી સાંજના 7.00 કલાક સુધી ઓમ નમઃશિવાય મંત્રની અખંડ ધૂનનું ગાન વડોદરાના પ્રસિદ્ધ કલાકારો દ્વારા કરવામાં આવનાર છે. શ્રી ભીમનાથ મહાદેવ મંદિરના પાછળના ભાગ્યે આવેલી સુપ્રસિદ્ધ ગેબીનાથ યજ્ઞશાળામાં હોમાત્મક લઘુરુદ્ર યાગનો સવારે 9:00 કલાકે પ્રારંભ કરવામાં આવશે. શ્રીફળ હોમવાનો સમય બપોરે 2:00 કલાકે નિર્ધારિત કરવામાં આવ્યો છે.

આ મહોત્સવના સમાપન સ્વરૂપ સાંજના 7:00 કલાકે મહાઆરતી કરવામાં આવશે અને ત્યાર બાદ સાંજના 7.30 કલાકથી 8.30 કલાક સુધી સંગીત પ્રચારની સભાના રંગમંચ પર શાસ્ત્રીય ભક્તિ નૃત્યનો કાર્યક્રમ આયોજીત કરવામાં આવેલ છે તથા શ્રી ભીમનાથ મહાદેવના પ્રાંગણમાં રાત્રીના 9.00 કલાકે સુંદરકાંડના પાઠનું પણ આયોજન કરવામાં આવેલ છે. ભીમનાથ મહાદેવનું વહીવટી મંડળ, સમગ્ર સાવલી ગામના ગ્રામ્યજનો અને સ્વામીજી પરિવારના ભક્તજનો આ ભક્તિ પર્વ મહોત્સવમાં ઉત્સાહભેર કામ કરી રહ્યા છે અને સરકારની માર્ગદર્શક સૂચનાઓ અનુસાર યથા યોગ્ય વ્યવસ્થાની ગોઠવણી પણ કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...