સાવલી પોલીસ દ્વારા વિવિધ વાહન ચેકિંગમાં બે વિવિધ વાહનોની ચેકિંગમાં લોખંડની પ્લેટો અને લોખંડના સળિયા રૂપિયા 597760, 2 કાર સહિતના મુદ્દામાલ સાથે કુલ 3 ઈસમોને ધરપકડ કરીને જેલ ભેગા કર્યા છે. જ્યારે અન્ય 2 ફરારને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે.
ગોધરા તરફના એક્સપ્રેસ હાઈવે બનાવવામાં વપરાતા લોખંડના સામાનની સિક્યુરિટી ગાર્ડની મદદથી ચોરી કરીને જતા વાહનો મુવાલ ચોકડી પાસેથી પસાર થનાર છે તેવી બાતમીના આધારે મારુતિ વાનને રોકીને તપાસ કરતાં તેમાં ઇન્ડસ્ટ્રિયલ લોખંડનો સરસામાન હોઇ આ માલના બિલ્ટીની માગણી કરતાં કોઈ આધાર પુરાવો મળ્યો ન હતો. ચાલકનું નામ પૂછતા તેણે રિયાઝ સિદ્દીકભાઈ ઉર્ફે મસલિયા ઉં.19 રહે મુક્તિ મસ્જિદ બિલાડી સામે હમીરપુર રોડ ગોધરા જણાવ્યું હતું.
તેની અટક કરીને પોલીસે 800 કિલો લોખંડ કિંમત 67,200 મારુતિ વાન કિં.50,000 અને 5000નો મોબાઈલ મળી કુલ 1,22,200નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ચાલક રિયાજની પૂછપરછ કરતાં તેણે આ માલ દિલ્હી બોમ્બે એક્સપ્રેસ હાઈવેનું કામ કરતી પીએનસી કંપનીના સિક્યુરિટી ગાર્ડ અલવેન્દ્ર સંજીવકુમાર હાલ રહે પાલડી તાલુકો સાવલીએ બોલાવીને ~5000ની અવેજમાં ચોરી કરાવ્યાનું ખુલ્યું હતું. સાવલી પોલીસે બંનેને ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે અન્ય બનાવમાં બાતમી આધારે સાવલી કોમર્સ કોલેજ પાસે ઇકો કારને રોકતાં તપાસ કરતાં કારમાં લોખંડની પ્લેટો મળી આવી હતી. પોલીસે તેના પુરાવા માંગતા ચાલકે ગલ્લાં તલ્લાં કર્યા હતા. તેનું નામ પૂછતાં મહેશ રાઠોડ ઉં.35 રહે ગોકુલપુરા કોલોની, અંબાલી, જિ. આણંદનો હોવાનું જણાવ્યું હતું. તેણે આ માલ શેરપુરાની રાલી કંપનીમાંથી ચોર્યો હોવાનું ખુલ્યું હતું. લોખંડની પ્લેટ 840 કિલો કિં.70560 મળી 475560નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.