બિસ્માર રોડ:રૂ.82 કરોડના ખર્ચે બનતા સાવલી સાંકરદા રોડમાં ભ્રષ્ટાચારની શંકા

સાવલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સાવલી સાકરદા રોડ પર નવીન બની રહેલ રોડ પર મસમોટા ગાબડા અને ધૂળની ડમરી ઊડી રહી છે. - Divya Bhaskar
સાવલી સાકરદા રોડ પર નવીન બની રહેલ રોડ પર મસમોટા ગાબડા અને ધૂળની ડમરી ઊડી રહી છે.
  • હલકી કક્ષાની કામગીરી થયાના આક્ષેપ સાથે સ્થાનિકોનું કલેક્ટરને આવેદનપત્ર
  • મંજૂર થયા બાદ 7 માસ પૂર્વે જ ખખડધજ થયેલા રોડની કામગીરી શરૂ કરાઇ હતી

સાવલીથી સાકરદા વચ્ચે વાયા ભાદરવા 21 કિલોમીટર રોડ બની રહેલ છે. જે રોડ માટે આશરે કુલ 82 કરોડ રૂપિયા સરકાર તરફથી મંજૂર કરવામાં આવેલ છે. ભાદરવાથી સાકરદા રોડ ભારે બિસ્માર હાલતમાં હોઇ વારંવાર પંથકવાસીઓ દ્વારા આ રોડના નવિનીકરણ માટે રજૂઆત કરાઇ હતી. છેલ્લે ધારાસભ્યના પ્રયત્નોથી આ રોડ મંજૂર થયો હતો અને 6-7 માસ પૂર્વે જ તેની કામગીરી હાથ ધરાઇ છે. પરંતુ આ રોડના ઈજારેદાર દ્વારા હલકી કક્ષાનું મટિરિયલ વપરાઈ રહ્યું હોવાની સ્થાનિકો ફરિયાદ કરી રહ્યા છે.

સાથે આ રોડમાં વપરાતા મટીરીયલ અને રકમ તેમજ કામની સમયમર્યાદાની માહિતી આપતું વિજ્ઞપ્તી બોર્ડ લગાવવા માટેની તસદી પણ લેવાઇ નથી. હાલમાં હંગામી ધોરણે પંથકવાસીઓને અવરજવર કરવા માટેના જૂના રોડ પર પણ મસમોટા ખાડા છે. જેના કારણે સેંકડો રાહદારીઓ અકસ્માતનો ભોગ બને છે. વાંકાનેર ગામ નજીક રાણાવાસથી લઈને હાઈસ્કૂલ સુધી બનાવેલ વરસાદી પાણીના નિકાલ માટેની ગટર લાઈન રોડ કરતા ઉચી બનાવી દેતાં ચોમાસામાં પાણી ભરાવાની સ્થિતિનું નિર્માણ થયું છે. રોડમાં ઓછું મટિરિયલ વાપરતાં રોડ ગટર લાઈન કરતાં નીચો થઈ ગયો છે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.

આ 21 કિલોમીટરના રોડના નિર્માણમાં ઇજારદાર દ્વારા ઠેરઠેર સરકારના નીતિ નિયમોને નેવે મૂકીને કામગીરી કરાઇ રહી છે. આ વિસ્તારના નાગરિકોના જણાવ્યા પ્રમાણે કોન્ટ્રાક્ટર દ્વારા નટવરનગર પાસેથી સરકારી જમીનમાંથી બિન પરવાનગીથી અને પંચાયતની જાણ બહાર 500 જેટલા ડમ્પર માટી ખોદીને પુરાણ માટે વાપરી સરકારની તિજોરીને પણ ચૂનો ચોપડવાનું કામ કરવામાં આવ્યું છે તેવો આક્ષેપ લગાવ્યો છે.

કોઇ ગરબડ ચલાવી નહીં લેવાય
આવનાર સમયમાં રોડની મજબૂતાઈ તેમજ ગુણવત્તાસભર મટિરિયલ વપરાય અને દોષિતો સામે પગલાં ભરાય તે માટે આ વિસ્તારના નાગરિકોને ભેગા કરીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવેલ છે. જરૂર પડે તો ઇજારદાર સામે ઉગ્ર આંદોલન પણ કરાશે. વર્ષોથી ખખડધજ રોડનું નવીનીકરણ થઈ રહ્યું છે ત્યારે તાલુકામાં વધુ એક રોડ ભ્રષ્ટાચાર થતો અટકાવાય તેવી માગ છે. - મહેન્દ્રસિંહ રાણા, જાગૃત નાગરિક, ભાદરવા

અન્ય સમાચારો પણ છે...