ભાસ્કર વિશેષ:ચોરપુરાની શાળામાં છાત્રોએ બનાવી શાકભાજીની વાડી

સાવલી9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટ્રેક્ટરથી શાળાના પ્રાંગણની જમીન ખેડી વાડી બનાવવામાં સહયોગ આપ્યો

સાવલી તાલુકાના નાનકડા ચોરપૂરા ગામની પ્રાથમિક શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ પ્રાંગણમાં ઉપલબ્ધ અડધા વિઘા જેટલી જમીનમાં શાકવાડીના ઉછેર માટે ટ્રેકટરથી જાતે જમીન ખેડી આપીને શિક્ષણ દાતા શાળાનું ઋણ અદા કરવાનો નમ્ર અને પ્રેરક પ્રયાસ કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ વાડીમાં ઉગતા શાકભાજીનો ઉપયોગ વિદ્યાર્થીઓને પીરસવામાં આવતા મધ્યાહન ભોજનને વધુ પૌષ્ટિક અને સ્વાસ્થ્યપ્રદ બનાવવા માટે થાય છે.

શાળાના આચાર્ય આરીફખાન પઠાણ અને ઉપાચાર્ય સપનાબેન પટેલની પહેલથી લગભગ છેલ્લા દશ વર્ષથી આ શાળાના પ્રાંગણમાં શાકવાડી ઉછેરવામાં આવી રહી છે. આ પ્રેરક ઘટનાની જાણકારી આપતાં આરીફખાન પઠાણે જણાવ્યું કે, અમે શાળા શાકવાડી ઉછેરવા માટે રીંગણી, ટમેટી, મરચી, ફ્લાવર, મેથી, કોબી જેવા શાકોના ધરું અને બિયારણની વ્યવસ્થા કરી હતી. પણ શિક્ષણની સાથે એકલે હાથે તેનું વાવેતર કેવી રીતે કરવું એની મૂંઝવણ હતી.

તે જાણીને અમારા પૂર્વ વિદ્યાર્થી મેહુલકુમાર ટ્રેકટર લઈને આવ્યા અને જમીન યોગ્ય રીતે ખેડી આપી. તે પછી અન્ય પૂર્વ વિદ્યાર્થીઓ કિશન અને હિતેશ ઠાકોર, રંગીતભાઈએ રોપા અને બિયારણના યોગ્ય રીતે વાવેતરમાં મદદ કરી અને અમારી શાકવાડીના ઉછેરનો માર્ગ મોકળો થયો. આમ, આ સરસ મજાનો કિચન ગાર્ડન હાલના વિદ્યાર્થીઓને પોષણયુક્ત આહાર આપવામાં ઉપયોગી બનશે. શિયાળો આરોગ્ય લાભની મોસમ ગણાય છે અને શાકભાજીનું પોષણ મૂલ્ય અમારા વિદ્યાર્થીઓની તંદુરસ્તી સાચવવામાં અગત્યનું બનશે.

અન્ય સમાચારો પણ છે...