નગરસેવકો-કાર્યકરોના ધરણાં:ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે કોંગી કાર્યકરોની રામધૂન

સાવલી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાવલી પાલીકાના વિરોધમાં ચાલતા પ્રતીક ધરણાંમાં પાદરાના ધારાસભ્ય જશપાલસિંહ પઢીયારની હાજરીમાં રામધુન બોલાવાઈ હતી. - Divya Bhaskar
સાવલી પાલીકાના વિરોધમાં ચાલતા પ્રતીક ધરણાંમાં પાદરાના ધારાસભ્ય જશપાલસિંહ પઢીયારની હાજરીમાં રામધુન બોલાવાઈ હતી.
  • સાવલી ખાતે કોંગી નગરસેવકો-કાર્યકરોના ધરણાં
  • આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવા ચીમકી અપાઈ

સાવલી નગરપાલિકાના આઠ કોંગી નગરસેવકો દ્વારા પાલિકા સામે વિકાસના કામોને અનદેખી અને ભ્રષ્ટાચાર અને માહિતી પૂરી ન પાડવાના આક્ષેપ સાથે ચાલતા પ્રતીક ધરણાના કાર્યક્રમમાં ગુરુવારે પાદરાના ધારાસભ્ય જશપાલસિંહ પઢીયારની હાજરીમાં રામધુનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

સાવલી નગરપાલિકાના ભાજપ પ્રેરિત બોર્ડ સામે નગરજનો દ્વારા તેમજ રાજકીય અગ્રણીઓ દ્વારા સમયાંતરે વિવિધ પ્રકારના આક્ષેપો થતા રહ્યા છે. તેવામાં નગરપાલિકાના આઠ કોંગ્રેસી ચૂંટાયેલા કોર્પોરેટરોએ સાવલી પાલિકા પ્રજાહિતના કાર્યો માટે ઉપેક્ષાને વિવિધ વિકાસના કામોમાં ગેરરિતી તેમજ વિકાસના કામોની માહિતી પૂરી ન પાડવાનો આક્ષેપ સાથે ચાર દિવસથી ચીફ ઓફિસરની કેબીન સામે જ પ્રતિક ધરણા પર બેઠા છે.

એવામાં ગુરુવારે પાદરાના ધારાસભ્ય જશપાલસિંહ પઢીયારની આગેવાનીમાં પ્રતીક ધરણાના કાર્યક્રમમાં રામધૂન બોલાવીને પાલિકાધિશોને ભગવાન સદબુદ્ધિ આપે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી. સાથે સાથે સાવલી નગરના પ્રશ્નોને પ્રજાહિત માટે આવનાર સમયમાં વિધાનસભામાં ઉઠાવવામાં આવશે, પબ્લિક એકાઉન્ટ સમિતિ દ્વારા વિકાસના કામોનો હિસાબ લેવામાં આવશે અને કોંગ્રેસના કોર્પોરેટરોને પોતે કોંગ્રેસના સૈનિક તરીકે આજે સમર્થન આપવા આવ્યા છે.

સમગ્ર પાર્ટી આ આઠ કોર્પોરેટરો સાથે ઉભી છે તેવું જણાવ્યું હતું. જ્યારે બીજી બાજુ સમગ્ર તાલુકામાં પાલિકા સામે થઇ રહેલ પ્રતિક ધરણાએ ભારે ચર્ચા જગાવી છે. આવનાર સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.